BUSINESS : ઈક્વિટી મ્યુ. ફંડોમાં રોકાણ 14 ટકા ઘટયું

0
10
meetarticle

ભારતીય ઈક્વિટી બજારમાં વોલેટિલિટીને પરિણામે ડિસેમ્બરમાં રૂપિયા ૨૮૦૫૪ કરોડની સરખામણીએ જાન્યુઆરીમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસમાં ઈન્ફલોસ (રોકાણકારો દ્વારા થતું રોકાણ) ૧૪ ટકા જેટલો ઘટી રૂપિયા ૨૪૦૨૯ કરોડ રહ્યો હોવાનું એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા જાહેર કરાયેલા ડેટામાં જણાવાયું હતું. 

૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ના અંતે ઓપન એન્ડેડ ઈક્વિટી લક્ષી સ્કીમ્સની એસેટસ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂપિયા ૩૪.૮૬ લાખ કરોડ રહી હતી, જ્યારે ઓપન એન્ડેડ ડેબ્ટ ઓરિએન્ટેડ સ્કીમ્સની એયુએમ રૂપિયા ૧૮.૯૦ લાખ કરોડ રહી હતી. 

જાન્યુઆરીમાં મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગમાં એકંદર નેટ ઈન્ફલોસ રૂપિયા ૧.૫૬ લાખ કરોડ રહ્યો હતો. ડેબ્ટ સ્કીમ્સમાં   રૂપિયા ૭૪૮૨૭ કરોડનો નેટ ઈન્ફલોસ રહ્યો હતો. ડિસેમ્બરમાં આ સ્કીમ્સમાંથી જંગી આઉટફલોસ જોવા મળ્યો હતો. હાઈબ્રિડ સ્કીમ્સમાં પણ રૂપિયા ૧૭૩૫૬ કરોડનો તંદૂરસ્ત ઈન્ફલોસ જોવા મળ્યો છે. ગત મહિને ઈક્વિટી સ્કીમ્સમાં ઈન્ફલોસ ભલે સતત બીજા મહિને મંદ પડયો હોય પરંતુ ઈક્વિટી ફન્ડસમાં રોકાણકારોનું આકર્ષણ જળવાઈ રહ્યું હોવાનું કહી શકાય એમ છે.

ઈક્વિટીમાં ફલેકસી કેપ ફન્ડસમાં રૂપિયા ૭૬૭૨ કરોડનો સૌથી વધુ ફલોસ જોવા મળ્યો છે જ્યારે મિડ-કેપ તથા સ્મોલ-કેપમાં ઈન્ફલોસ ઘટી અનુક્રમે રૂપિયા ૩૧૮૫ કરોડ અને રૂપિયા ૨૯૪૨ કરોડ રહ્યો છે. જો કે ડિસેમ્બરમાં આ આંક રૂપિયા ૪૧૭૬ કરોડ અને રૂપિયા ૩૮૨૪ કરોડ રહ્યો હતો. લાર્જ કેપ ફન્ડમાં ઈન્ફલોસ જે ડિસેમ્બરમાં રૂપિયા ૧૫૬૭ કરોડ રહ્યો હતો તે જાન્યુઆરીમાં વધી રૂપિયા ૨૦૦૫ કરોડ રહ્યો છે. જાન્યુઆરીનો ઈન્ફલોસ સપ્ટેમ્બર બાદ સૌથી વધુ રહ્યો હોવાનું એમ્ફીના ડેટા પરથી જણાય છે.

તાજેતરના મહિનાઓમાં નબળા રહ્યા બાદ સેકટરલ તથા થિમેટિક ફન્ડસમાં ઈન્ફલોસ સહેજ વધી રૂપિયા ૧૦૪૩ કરોડ રહ્યો હતો. ઈએલએસએસ ફન્ડસમાં ડિસેમ્બરની સરખામણીએ આઉટફલોસ મંદ પડી રૂપિયા ૫૯૪ કરોડ રહ્યો છે. આ ફન્ડસમાં છેલ્લા અનેક મહિનાઓથી આઉટફલોસ જોવા મળી રહ્યો છે.

ડિસેમ્બરમાં રૂપિયા ૧.૩૨ લાખ કરોડના જંગી આઉટફલોસ બાદ જાન્યુઆરીમાં ડેબ્ટ મ્યુચ્યુઅલ ફન્ડસમાં રૂપિયા ૭૪૮૨૭ કરોડનો નેટ ઈન્ફલોસ રહ્યો છે. નવેમ્બરમાં પણ આ ફન્ડસમાં રૂપિયા ૨૫ હજાર કરોડથી વધુનો આઉટફલોસ રહ્યો હતો.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here