ઈરાનમાં હાલમાં ચાલી રહેલી અશાંતિને પરિણામે ભારતની ડ્રાયફ્રુટસની આયાતને ખલેલ પડવાની ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. બીજી બાજુ ભારતના બાસમતિના નિકાસકારો ઈરાન સાથે નવા કરાર કરવાનું ટાળી રહ્યા છે.

ઈરાન ખાતેથી ભારત મુખ્યત્વે પિસ્તા, ખજુર, કેસર, બદામ તથા દરાખની આયાત કરે છે. હાલની અશાંતિને ધ્યાનમાં રાખી સ્થાનિક ટ્રેડરો ઈરાનના નિકાસકારો સાથે લાંબા ગાળાના કરાર કરવાનું ટાળી રહ્યા છે. ઈરાન સરકાર જો કોઈ પ્રતિબંધ નહીં મૂકે તો ડ્રાય ફ્રુટસની આયાતને ખાસ અસર નહીં પડે પરંતુ લોજિસ્ટિક સમશ્યાઓને કારણે પૂરવઠો ખોરવાઈ જવાની શકયતા નકારાતી નથી.
ડ્રાયફ્રુટસની આયાત ઉપરાંત ભારત ખાતેથી ઈરાનમાં બસમતિની થતી નિકાસ પણ હાલમાં સ્થગિત થઈ ગઈ હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
માલની સામે પેમેન્ટ આવશે કે કેમ તેની ચિંતાને લઈને ભારતના નિકાસકારો બાસમતિ માટે ઈરાનના ટ્રેડરો સાથે નવા કરાર કરવાનું હાલમાં ટાળી રહ્યા છે.
ઈરાન હાલમાં અભૂતપૂર્વ અશાંતિ અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. આ અશાંતિને કારણે ઈરાન સાથેના વેપાર તથા નાણાંકીય વ્યવહાર હાલમાં ખોરવાઈ ગયા છે.

