વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં દેશમાંથી મોબાઈલ ફોનની નિકાસમાં વાર્ષિક ધોરણે ૬૦ ટકા વધારો થયો છે. નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ છ મહિનામાં ૮.૫૦ અબજ ડોલરની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષના આ ગાળામાં નિકાસ ૬૦ ટકા વધી ૧૩.૫૦ અબજ ડોલર રહ્યાનું પ્રાપ્ત ડેટા જણાવે છે.

સપ્ટેમ્બરમાં ભારતની મોબાઈલ ફોનની નિકાસ ૯૫ ટકા વધી ૧.૮૦ અબજ ડોલર રહી હતી. ભારતના સ્માર્ટફોનની સૌથી વધુ નિકાસ યુકે, અમેરિકા, યુએઈ, ઓસ્ટ્રીયા તથા નેધરલેન્ડસ ખાતે થાય છે.
એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં મોબાઈલ ફોનની કુલ નિકાસમાં ૭૦ ટકા અમેરિકા ખાતે થઈ હતી જે વાર્ષિક ધોરણે ૩૭ ટકા વધુ હતી એમ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોનિકસ એસોસિએશનના ડેટા જણાવે છે.
ગયા નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં અમેરિકા ખાતે ભારતની મોબાઈલ ફોનની નિકાસનો આંક જે ૩.૧૦ અબજ ડોલર રહ્યો હતો તે વર્તમાન વર્ષના આ ગાળામાં ૯.૪૦ અબજ ડોલર રહ્યાનો અંદાજ છે. જે ૨૦૦ ટકાનો વધારો દર્શાવે છે. આ વધારો ભારતના સ્માર્ટફોનની વિશ્વસ્નિયતા વધી રહ્યાના સંકેત આપે છે.

