ઈ-કોમર્સ કંપની એમેઝોન (Amazon) કથિત રીતે છટણીના બીજા તબક્કાની તૈયારી કરી રહ્યું છે. જે અંતર્ગત 27 જાન્યુઆરીથી અંદાજે 16,000 કર્મચારી નોકરી ગુમાવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, આ છટણીની સીધી અસર ભારતીયો પર પણ પડશે, જેમાં એમેઝોન વેબ સર્વિસીસ અને પ્રાઇમ વીડિયો જેવા મહત્ત્વના વિભાગોનો સમાવેશ થાય છે.

એમેઝોન વેબ અને પ્રાઈમ વિભાગમાં વધુ જોખમ
એમેઝોન આ અઠવાડિયે વર્ક ફોર્સમાં મોટો ઘટાડો કરવા તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. કંપનીની યોજના મુજબ 27 જાન્યુઆરીએ નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે છે, જે વૈશ્વિક સ્તરે આશરે 16,000 કર્મચારીને અસર કરશે. આ પગલું કંપનીના વ્યાપક પુનર્ગઠન અભિયાનનો ભાગ હોવાનું કહેવાય છે, જે હેઠળ 2026ના મધ્ય સુધીમાં લગભગ 30,000 કોર્પોરેટ હોદ્દા નાબૂદ થઈ શકે છે. નોંધનીય છે કે આ વખતે ભારત સ્થિત ટીમો પર પહેલા કરતા વધુ ગંભીર અસર થવાની સંભાવના છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કર્મચારીઓની ચર્ચાઓ અને વિવિધ મીડિયા અહેવાલો મુજબ, આગામી દિવસોમાં એમેઝોન સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ છટણીમાં સૌથી વધુ અસર ભારતીયોને થશે એવું પણ મનાય છે. ખાસ કરીને એમેઝોન વેબ સર્વિસીસ અને પ્રાઇમ વીડિયો વિભાગમાં કામ કરતા કર્મચારીઓ પર જોખમ વધારે છે.
વૈશ્વિક સ્તરે કુલ 30,000 હોદ્દા નાબૂદ કરવાની કવાયત
વર્ષ 2025ના અંતમાં રોઇટર્સે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે, એમેઝોન તેના વ્યાપક પુનર્ગઠન પ્રયાસોના ભાગરૂપે આશરે 30,000 કોર્પોરેટ હોદ્દા હટાવી દેવાનું આયોજન કરી રહી છે.
આ અહેવાલ પછી જ કંપનીએ 14,000 હોદ્દા ઘટાડવાની યોજનાની પુષ્ટિ કરી હતી. એમેઝોનનું આ છટણી અભિયાન 2025ના અંતમાં શરૂ થયું હતું. હવે કંપની બીજા તબક્કાનો અમલ કરવા જઈ રહી હોય તેવું લાગે છે, જેમાં વધુ 16,000 હોદ્દા સામેલ છે. આમ, કુલ છટણીનો આંકડો 30,000 ની નજીક પહોંચી જશે.
વૈશ્વિક સ્તરે એમેઝોન 15.7 લાખને રોજગારી આપે છે
જો આમ થશે, તો તે 2022 અને 2023 દરમિયાન એમેઝોન દ્વારા કરાયેલી 27,000 કર્મચારીઓની છટણી કરતા પણ મોટો આંકડો હશે. જો કે એમેઝોન વિશ્વભરમાં અંદાજે 15.7 લાખ લોકોને રોજગારી આપે છે, પરંતુ આ છટણીનું મુખ્ય કેન્દ્ર તેનો કોર્પોરેટ વર્ક ફોર્સ છે, જેની સંખ્યા આશરે 3.5 લાખ છે. આ છટણીમાં એમેઝોન વેબ સર્વિસીસ, પ્રાઇમ વીડિયો, રિટેલ ઓપરેશન્સ અને HR વિભાગ (PXT) મુખ્ય લક્ષ્ય છે. ભારતમાં ખાસ કરીને બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં સ્થિત કોર્પોરેટ ટીમો પર વધુ જોખમ છે.
2,000 કર્મચારીઓને નોટિસ મળી ચૂક્યાનો પણ દાવો
સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ મુજબ, 27 જાન્યુઆરીના સપ્તાહની શરૂઆતથી જ પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ઘણાં કર્મચારીઓએ દાવો કર્યો છે કે મેનેજરો અને વરિષ્ઠ નેતાઓએ પહેલેથી જ સંકેતો આપી દીધા છે. એવું પણ કહેવાય છે કે, જે કર્મચારીઓ હાલમાં ‘પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન’ હેઠળ છે, તેમને અન્ય લોકો કરતા વહેલી જાણ કરાઈ શકે છે.
કેટલાક અહેવાલો મુજબ, 1,000 થી 2,000 કર્મચારીઓને પહેલેથી જ WARN (Worker Adjustment and Retraining Notification) નોટિસ મળી ચૂકી છે. અમેરિકન કાયદા મુજબ મોટી છટણી પહેલા આવી નોટિસ આપવી અનિવાર્ય છે. જો કે એમેઝોને સત્તાવાર રીતે સમય કે સંખ્યા અંગે કોઈ પુષ્ટિ કરી નથી.
છટણી પાછળનું કારણ શું છે?
એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ સ્પષ્ટતા કરી છે કે, આ છટણી નાણાકીય કારણસર કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે નથી, પરંતુ કંપનીમાંથી અમલદારશાહી’ (Bureaucracy) ઘટાડવા માટે છે. જેસીના મતે, કંપનીના ઝડપી વિસ્તરણને કારણે મેનેજમેન્ટના અનેક સ્તરો બની ગયા છે, જે નિર્ણય લેવાની પ્રક્રિયાને ધીમી પાડે છે.
આમ છતાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક મહત્ત્વનું પરિબળ છે. એમેઝોન HR, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને કસ્ટમર સપોર્ટમાં આંતરિક પ્રક્રિયાને ઝડપથી ઓટોમેટ કરવા પ્રયત્નશીલ છે. તેથી કંપની કાર્યક્ષમતા વધારવા એવા મેનેજમેન્ટ સ્તરોને દૂર કરી રહી છે, જે સીધી રીતે ઉત્પાદન પ્રક્રિયામાં જોડાયેલા જ નથી.

