BUSINESS : કાશ્મીરમાં કુદરતી આફતથી સફરજનના વેપાર પર જોવા મળેલી ગંભીર અસર

0
93
meetarticle

પૂર તથા જમીન ધસી પડવાની ઘટનાઓને કારણે તથા હાઈવેસ બંધ પડી જવાશી કાશમીરમાં લણણીની વ્યસ્ત મોસમ ટાણે જ સફરજનના ઉત્પાદકોને જંગી નુકસાનનો સામનો કરવાનો વારો આવ્યો છે. માર્ગ વ્યવહાર ખોરવાઈ જવાને પરિણામે સફરજનના નવા પાકની હેરફેર પર અસર પડી હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. સપ્ટેમ્બર થી ઓકટોબર દરમિયાન કાશમીરમાં સફરજનની વ્યસ્ત મોસમ રહે છે.

જમ્મુ તથા શ્રીનગરને જોડતા રાષ્ટ્રીય હાઈવે બંધ હાલતમાં હોવાથી સફરજન ઉગાડનારા તથા તેના ટ્રેડરોને રૂપિયા ૬૦૦ કરોડથી રૂપિયા ૬૫૦ કરોડની વચ્ચે નુકસાન જવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. માર્ગ પરિવહન મારફત સફરજનને અન્ય વિસ્તારોમાં પહોંચાડવા માટે જમ્મુ – કાશમીર હાઈવે મહત્વની કડી છે.૨૬ ઓગસ્ટથી આ માર્ગ પરનો વ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદ તથા પૂરની સ્થિતિને કારણે કાશમીરમાં માર્ગોનું વ્યાપક ધોવાણ થયું છે.

માર્ગ વ્યવહાર વેળાસર પ્રસ્થાપિત નહીં થાય તો, વર્તમાન સંપૂર્ણ મોસમ નિષ્ફળ જશે એમ કાશમીર વેલી ફ્રુટ ગ્રોઅર્સ અને ડીલર્સ યુનિયનના સુત્રોએ જણાવ્યું હતું. વાહન વ્યવહાર ખોરવાઈ જવાને પરિણામે ખર્ચમાં વધારો થયો છે. પેકેજિંગ ખર્ચ જે એપલના એક મોટા બોકસ પાછળ રૂપિયા ૪૫થી ૫૦ આવતો હતો તે વધી રૂપિયા ૧૫૦થી રૂપિયા ૧૬૦ સુધી પહોંચી ગયાનો દાવો કરાયો હતો.

ભારતમાં કાશમીર તથા હિમાચલ પ્રદેશના ખીણ વિસ્તારમાં સફરજનનું મોટેપાયે ઉત્પાદન થાય છે જેનું મોટાભાગનું વેચાણ ઘરઆંગણેની બજારમાં થાય છે અને અહીંના બે ટકાથી પણ ઓછા સફરજનની નિકાસ થાય છે. અહીંના સફરજન બંગલાદેશ તથા નેપાળ ખાતે મોકલવામાં આવે છે. ભારે વરસાદને કારણે મોટી માત્રાના સફરજન સડી ગયાનો પણ દાવો કરાયો હતો. કાશમીરના સફરજનની હેરફેર માટે રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here