BUSINESS : કોમોડિટીના ટ્રેડરો માટે નવા વર્ષે ટ્રેડિંગ માટે નવો વિકલ્પઃ એમસીએક્સ આઇકોમડેક્સ બુલિયન ઇન્ડેક્સ ઓપ્શન્સનો 27 ઓક્ટોબરથી થશે પ્રારંભ

0
53
meetarticle

મુંબઇઃ સોના-ચાંદીમાં વિશ્વબજારની સાથે-સાથે ઘરેલૂ બજારમાં મોટી ઊછળ-કૂદ જોવા મળી રહી છે ત્યારે ટ્રેડરો ભાવની આ તીવ્ર વધઘટ સામે પોતાને સુરક્ષિત કરવા માટે વાયદા બજાર પર હેજિંગની પ્રવૃત્તિમાં વિશેષ રસ દાખવતા થઇ ગયા છે. ટ્રેડરો અત્યાર સુધી વાયદા બજાર પર સોના-ચાંદીના વાયદા અને ઓપ્શન્સમાં ટ્રેડ કરતા હતા, જોકે એમસીએક્સ દ્વારા એક પરિપત્ર મારફત જણાવવામાં આવ્યું છે કે આગામી 27 ઓક્ટોબર, 2025થી એક્સચેન્જના મંચ પર એમસીએક્સઆઇકોમડેક્સ બુલિયન ઇન્ડેક્સ (એમસીએક્સબુલડેક્સ)માં ઓપ્શન્સનો પ્રારંભ કરવા જઇ રહ્યું છે, જેથી ગુજરાતીઓના નવા વર્ષમાં ટ્રેડરોને ટ્રેડ કરવા માટે વધુ એક સુવિધા મળવાની છે. આ પ્રારંભ ભારતીય કોમોડિટી માર્કેટને વધુ મજબૂત બનાવશે અને વેપારીઓને સોના-ચાંદી જેવા બુલિયન પર આધારિત ઇન્ડેક્સમાં વેપાર કરવાની તક આપશે. આ ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરતાં પહેલાં નિયમો અને જોખમોને સમજવા જરૂરી છે.

એમસીએક્સ બુલડેક્સ ઓપ્શન્સ એ ભારતના અગ્રણી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) દ્વારા 27 ઓક્ટોબર, 2025થી રજૂ થનારી એક નવી ડેરિવેટિવ પ્રોડક્ટ છે. જેનો સિમ્બોલ એમસીએક્સબુલડેક્સ (MCXBULLDEX) છે. આ ઓપ્શન કોન્ટ્રાક્ટ્સ એમસીએક્સ આઇકોમડેક્સ બુલિયન ઇન્ડેક્સ પર આધારિત છે, જેમાં સોના અને ચાંદીના વાયદા કોન્ટ્રાક્ટ્સનું પ્રદર્શન સામેલ છે. આ ઓપ્શન્સ રોકાણકારોને બુલિયન માર્કેટમાં વેપાર કરવાની, જોખમનું સંચાલન કરવાની અથવા તેમના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવાની સુવિધા પૂરી પાડશે.

આ ઓપ્શન્સ કોન્ટ્રાકેટ્સમાં અંતર્ગત એસેટ તરીકે એમસીએક્સ આઇકોમડેક્સ બુલિયન ઇન્ડેક્સ (એમસીએક્સબુલડેક્સ) રહેશે, જે એમસીએક્સ પર વેપાર થતા લિક્વિડ સોના અને ચાંદીના વાયદાઓનો સંયુક્ત ઇન્ડેક્સ છે. આ ઓપ્શન્સ બુલિયન સેક્ટરમાં વેપાર, હેજિંગ અથવા વિવિધતા લાવવાની સુવિધા પૂરી પાડશે, જે ફક્ત સોનું અથવા ચાંદી જેવી એકલ કોમોડિટીને બદલે આખા સેક્ટરને આવરી લેશે. અલગ-અલગ સોના અને ચાંદીના કોન્ટ્રાક્ટ્સના વેપારને બદલે, રોકાણકારો એક જ ઓપ્શનનો ઉપયોગ કરીને બંનેની વધઘટનો ફાયદો ઉઠાવી શકશે.

આ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટનો પ્રારંભ ત્રણ કોન્ટ્રેક્ટથી થશે, જેમાં 26 નવેમ્બર, 2025, 31 ડિસેમ્બર, 2025 અને 27 જાન્યુઆરી, 2026ના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં મહત્તમ સિંગલ ઓર્ડર સાઇઝ 30 લોટ હશે. આ ઓપ્શન્સ ફક્ત યુરોપિયન-શૈલીના કોલ અને પુટ ઓપ્શન્સ રહેશે, એટલે કે તે ફક્ત એક્સપાયરી તારીખે જ એક્ઝરસાઇઝ કરી શકાશે.

અંતિમ પતાવટનો ભાવ એક્સપાયરી દિવસે બપોરે 4:00 થી 5:00 વાગ્યા દરમિયાન અંતર્ગત ઇન્ડેક્સની વોલ્યુમ વેઇટેડ એવરેજ પ્રાઇસ દ્વારા નક્કી કરવામાં આવશે. ટ્રેડિંગ માટેનો સમયગાળો સોમવારથી શુક્રવાર સુધી, સવારે 9:00 વાગ્યાથી રાત્રે 11:30/11:55 વાગ્યા સુધી (યુએસ ડેલાઇટ સેવિંગ ટાઇમ અનુસાર)નો રહેશે. આ ઓપ્શન્સમાં સ્ટ્રાઇક્સ 35 ઇન-ધ-મની, 35 આઉટ-ઓફ-ધ-મની અને 1 નીયર-ધ-મની (કુલ 71 કોલ અને 71 પુટ) રહેશે. સ્ટ્રાઇક પ્રાઇસ ઇન્ટરવલ રૂ. 100 છે. ટિક સાઇઝ (લઘુત્તમ ભાવ વધઘટ) રૂ. 0.05ની છે.

પ્રારંભિક માર્જિનની ગણતરી સ્પાન (સ્ટાન્ડર્ડ પોર્ટફોલિયો એનાલિસીસ ઓફ રિસ્ક) સોફ્ટવેરનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવશે, જે એક પોર્ટફોલિયો આધારિત માર્જિન સિસ્ટમ છે. પ્રાઇસ સ્કેન રેન્જ 3.5 સ્ટાન્ડર્ડ ડેવિએશન (3.5 સિગ્મા) રહેશે. વોલેટિલિટી સ્કેન રેન્જ ઓછામાં ઓછી 3.5% અથવા એમસીએક્સસીસીએલ દ્વારા સમયાંતરે નક્કી થયા મુજબ રહેશે. શોર્ટ ઓપ્શન મિનિમમ માર્જિન (એસઓએમએમ) અને માર્જિન પીરિયડ ઓફ રિસ્ક (એમપીઓઆર) સેબીના 27 જાન્યુઆરી, 2020ના પરિપત્ર-15 મુજબ રહેશે. એક્સ્ટ્રીમ લોસ માર્જિન લઘુત્તમ 1% (માત્ર શોર્ટ ઓપ્શન્સ પોઝિશન્સ પર લાગુ)નું રહેશે. પ્રીમિયમ બાયરને અપફ્રન્ટ બ્લોક કરવામાં આવશે.

આ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સ બુલિયન માર્કેટમાં રોકાણકારોને વધુ વિવિધતા અને હેજિંગની તકો પ્રદાન કરશે. માર્જિન્સ અને સેટલમેન્ટ સંબંધિત વિગતો માટે, વેપારીઓને મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ (એમસીએક્સસીસીએલ)ના સર્ક્યુલર્સનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે.

કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર અત્યાર સુધી કોમોડિટી વાયદા ઉપરાંત ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સના વાયદા પણ કામકાજ માટે ઉપલબ્ધ હતા, હવે ઇન્ડેક્સ આધારિત ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ ઉપલબ્ધ બનશે. હાલમાં કોમોડિટી વાયદાની સાથે-સાથે ઓપ્શન્સમાં કામકાજમાં નોંધપાત્ર વૃદ્ધિ પણ જોવા મળી રહી છે અને ઉચ્ચત્તમ ટર્નઓવરના નવા-નવા રેકોર્ડ નોંધાઇ રહ્યા છે, એવામાં આ ઇન્ડેક્સ ઓપ્શન્સ ટ્રેડરો માટે આશીર્વાદરૂપ બની રહેશે એવી આશા રાખીએ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here