ઈરાનમાં તખ્તા પલટો કરાવવાનો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના નેત્યાનયાહુનો મનસૂબો એટલો ઝડપી સફળ નહીં થવાના અને ઈરાનમાં નવા લીડર તરીકે મોજતબા ખામનેઈની પસંદગી થઈ જતાં અને નવા સુપ્રિમ લીડરે અમેરિકા-ઈઝરાયેલની દાદાગીરી સામે નમતું નહીં ઝુંકવાનો ઈરાદો સ્પષ્ટ કરી આ યુદ્વમાં અમેરિકા-ઈઝરાયેલને હંફાવવાનો નિર્ણય જાહેર કરી દેતાં આજે વૈશ્વિક શેર બજારોમાં મંદીના આંચકા ચાલુ રહ્યા હતા. વિશ્વનો ૨૦ ટકાથી વધુ ઓઈલ પુરવઠાનું વહન કરતાં સ્ટ્રેટ્સ ઓફ હોર્મુસને બંધ કરીને વિશ્વમાં ઓઈલ પુરવઠાની અસાધારણ અછત સર્જવામાં આવતાં ક્રુડ ઓઈલના ભાવ ૧૧૯ ડોલરની સપાટી કુદાવી જતાં એશીયા, યુરોપના અનેક દેશોની હાલત કફોડી બનવાના સ્પષ્ટ સંકેતે ફંડોએ મળ્યા ભાવે શેરોમાં અઢળક વેચવાલી કરી હતી. વિશ્વને ભયાવહ મંદી ભરડો લેવાની તૈયારીમાં હોવાના સ્પષ્ટ સંકેતે આજે એક તરફ એશીયાના બજારોમાં જાપાનમાં કડાકા અને યુરોપના બજારોમાં ધોવાણ સાથે ભારતીય શેર બજારો ક્રુડ ઓઈલની આગમાં હોમતાં જોવાયા હતા. ઓટોમોબાઈ, બેંકિંગ, મેટલ-માઈનીંગ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં અસાધારણ ગાબડાં પડતાં જોવાયા હતા. ઓલ રાઉન્ડ સાર્વત્રિક વેચવાલીએ સેન્સેક્સ એક તબક્કે ૨૪૯૪.૩૫ પોઈન્ટના કડાકે નીચામાં ૭૬૪૨૪.૫૫ સુધી ખાબકીને અંતે ૧૩૫૨.૭૪ પોઈન્ટ તૂટીને ૭૭૫૬૬.૧૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે ૭૫૨.૬૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૩૬૯૭.૮૦ સુધી ખાબકીને અંતે ૪૨૨.૪૦ પોઈન્ટ તૂટીને ૨૪૦૨૮.૦૫ બંધ રહ્યા હતા.

આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૮.૫૮ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૪૧.૧૦ લાખ કરોડ રહી ગયું હતું.
ઓટો શેરો તૂટયા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈરાન યુદ્વના કારણે પુરવઠો અટકી પડતાં નાયમેક્ષ ૧૦૦ ડોલરની સપાટી કુદાવી જતાં અને ફયુચર્સમાં ભાવ ૧૫૦ ડોલર જેટલા બોલાઈ જતાં ટૂંક સમયમાં જ ભારતમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં તીવ્ર વધારો થવાના સ્પષ્ટ સંકેત અને એના કારણે કાર, ટુ-વ્હીલર સહિતના વાહનોની ખરીદી અટકી જવાની પૂરી શકયતાએ ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફરી ફંડોએ મોટી વેચવાલી કરતાં ઘણા શેરોમાં અસાધારણ કડાકો બોલાઈ ગયો હતો. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૮.૭૫ તૂટીને રૂ.૩૩૧.૯૫, બોશ રૂ.૧૭૪૧.૫૫ તૂટીને રૂ.૩૧૬૧૦, મારૂતી સુઝુકી રૂ.૬૬૧.૯૦ તૂટીને રૂ.૧૩,૪૮૭.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૪૬.૪૫ તૂટીને રૂ.૩૧૮૭.૨૫, રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૨૫.૪૦ પોઈન્ટ ગબડીને ૫૭૫૦૪.૪૬ બંધ રહ્યો હતો.
બેંકો પર ડિફોલ્ટર, એનપીએનું જોખમ
ક્રુડ ઓઈલની આગ ભભૂકતાં અને બીજી તરફ ભારતીય ઉદ્યોગો, કોર્પોરેટ કંપનીઓનો મોટો આયાત-નિકાસ વેપાર ઠપ્પ થઈ જતાં બેંકો દ્વારા ઉદ્યોગો, કોર્પોરેટ કંપનીઓને આપેલું મોટું ધિરાણ ડૂબવાના અને અનેક કંપનીઓ ડિફોલ્ટર બનવાની સાથે બેંકોની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ-એનપીએમાં આગામી દિવસોમાં જંગી વધારો થવાના જોખમે આજે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ઓલ રાઉન્ડ ધબડકો બોલાઈ ગયો હતો. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૨૦ તૂટીને રૂ.૧૭૯.૩૫, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૩.૨૨ તૂટીને રૂ.૬૬.૭૬, ફેડરલ બેંક રૂ.૧૩.૦૫ તૂટીને રૂ.૨૭૩.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪૪.૮૫ તૂટીને રૂ.૧૦૯૮.૭૦, કેનેરા બેંક રૂ.૫.૬૦ ઘટીને રૂ.૧૪૦.૩૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૩.૯૦ ઘટીને રૂ.૩૮૬.૦૫, પીએનબી રૂ.૪.૧૦ ઘટીને રૂ.૧૧૫.૨૦ રહ્યા હતા.બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૦૩.૭૭ પોઈન્ટ તૂટીને ૬૭૦૦૮.૭૭ બંધ રહ્યો હતો.

