ભારતમાં ગોલ્ડ ઈટીએફએ સપ્ટેમ્બર, ૨૦૨૫માં રેકોર્ડ બ્રેક પ્રદર્શન કર્યું છે. રોકાણકારોએ આ ગોલ્ડ-લિંક્ડ ફંડ સ્કીમોમાં જબરદસ્ત રસ દાખવ્યો છે. ગોલ્ડ ઈટીએફમાં ૯૦૨ મિલિયન ડોલર એટલેકે અંદાજે રૂ. ૭૬૦૦ કરોડનો રેકોર્ડ રોકાણ પ્રવાહ આવ્યો છે.

ઓગસ્ટ મહિનાની તુલનામાં રોકાણમાં ૨૮૫ ટકાનો મોટો વધારો દર્શાવે છે અને ઈન્ફલો સતત ચોથા મહિને વધ્યો છે. સૌથી મહત્વનું છે કે આ ઈન્ફલો એશિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે.
સમગ્ર એશિયામાં ગોલ્ડ ઈટીએફમાં ૨.૧ અબજ ડોલર એટલેકે આશરે રૂ. ૧૭,૭૦૦ કરોડ રોકાણ પ્રાપ્ત થયું છે, જેમાં ભારત સૌથી આગળ રહ્યું છે. ચીનમાં ૬૨૨ મિલિયન ડોલર અર્થાત રૂ. ૫૨૦૦ કરોડ રૂપિયા, જાપાનમાં ૪૧૫ મિલિયન ડોલર, રૂ. ૩૫૦૦ કરોડનો રોકાણ પ્રવાહ જોવા મળ્યો છે.વૈશ્વિક સ્તરે જોઈએ તો જર્મનીએ ૮૧૧ મિલિયન ડોલર, રૂ. ૬૮૦૦ કરોડના રોકાણ સાથે આગેવાની લીધી હતી. કેનેડાએ ૩૦૧ મિલિયન ડોલર અર્થાત રૂ. ૨૫૦૦ કરોડનું રોકાણ કર્યું છે. જ્યારે ઇટાલીએ ૨૩૪ મિલિયન ડોલર, રૂ. ૨૦૦૦ કરોડ, ઓસ્ટ્રેલિયાએ ૧૮૨ મિલિયન ડોલર, રૂ. ૧૫૦૦ કરોડ અને દક્ષિણ કોરિયાએ ૧૬૫ મિલિયન ડોલર, રૂ. ૧૪૦૦ કરોડનું રોકાણ કર્યું છે.
ભારતના ગોલ્ડ ઈટીએફમાં આ વર્ષે જાન્યુઆરી-સપ્ટેમ્બર ૨૦૨૫માં ૨.૧૮ અબજ ડોલર એટલેકે અંદાજે રૂ. ૧૮,૦૯૪ કરોડ રૂપિયાનો પ્રવાહ જોવા મળ્યો છે. આ આંકડો ઈતિહાસનો શ્રેષ્ઠ આંકડો છે.
અગાઉના વર્ષોની સરખામણીએ જોઈએ તો ૨૦૨૪માં ૧.૨૯ અબજ ડોલર એટલેકે રૂ. ૧૦,૭૦૭ કરોડ રૂપિયા, ૨૦૨૩માં ૩૧૦ મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં રૂ. ૨૫૭૩ કરોડ, ૨૦૨૨માં ૩૩ મિલિયન ડોલર અર્થાત રૂ. ૨૭૪ કરોડનું રોકાણ આવ્યું હતુ. આ સ્પષ્ટ સંકેત છે કે ભારતીય રોકાણકારો પરંપરાગત સોનાથી ડિજિટલ રોકાણ સ્વરૂપો, એટલે કે ઈટીએફ તરફ વળી રહ્યા છે.

