મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી વેગથી આગળ વધી હતી તથા ભાવમાં સ્પ્રિંગ જેવો નવો ઉછાળો આવતાં બજારના ઝવેરીઓ તથા ખેલાડીઆ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓમાં તોફાની તેજી આગળ વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે પણ તેજીનું તોફાન આગળ વધ્યું હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ઝડપી ઉછળી રૂ.અઢી લાખની સપાટી પાર કરી ઉંચામાં ભાવ રૂ.૨૫૨૦૦૦ બોલાઈ જતાં નવો ઈતિહાસ સર્જાયો હતો.

અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ શુક્રવારે વધી રૂ.૨૩૩૦૦૦ રહ્યા પછી શનિવારે ભાવમાં વધુ ઝડપી રૂ.૧૯ હજારનો તોતીંગ ઉછાળો આવતાં ભાવ વધી રૂ.અઢી લાખની ઉપર ઝડપથી જતા રહ્યા હતા.દરમિયાન, અમદાવાદ બજારમાં આજે ચાંદી પાછળ સોનાના ભાવ પણ ૧૦ ગ્રામદીઠ ઝડપી રૂ.૨૫૦૦ ઉછળતાં ભાવ વધી ૯૯૫ના રૂ.૧૪૫૦૦૦ બોલાઈ ગયા હતા. વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૪.૪૦થી ૭૪.૪૧ ડોલરથી ઉછળી ઉંચામાં ભાવ ૭૯ ડોલરની સપાટી વટાવી ૭૯.૨૭થી ૭૯.૨૮ ડોલર બોલાયાના નિર્દેશો હતા. ચાંદીમાં એક તરફ સપ્લાય ડેફીસીટ તથા બીજી તરફ વિવિધ ઉદ્યોગોની માગ વધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, ચાંદીમાં વધતી બજારે સટ્ટોડિયાઓ પણ એક્ટીવ બન્યાની ચર્ચા બજારમાં સંભળાઈ રહી હતી. વિશ્વ બજારમાં ચાંદી પાછળ આજે સોનાના ભાવ પણ ઔંસના ૪૫૧૩થી ૪૫૧૪ ડોલરવાળા ઉછળી છેલ્લે ૪૫૩૩થી ૪૫૩૪ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૯.૮૫થી ૮૯.૮૬ વાળા વધી રૂ.૮૯.૯૩ થી ૮૯.૯૪ આસપાસ બોલાતાં થતાં ઝવેરી બજારમાં તેજીને પીઠબળ મળી ગયું હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. વિશ્વ બજારમાં કોપરના ભાવ વધુ ૪થી ૫ ટકા ઉછળતાં તેની ઈમ્પેકટ પણ ચાંદી બજારમાં પોઝીટીવ આવી હતી. ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઈટીએફમાં ઈન્ફલો પણ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઈ હતી. આ વર્ષે ચાંદીના ભાવ આશરે ૧૬૦થી ૧૭૦ ટકા ઉછળ્યા છે. ચાંદીમાં ઈલેકટ્રીક વેહીકલ્સ, સોલાર, સેમી કંડકટર, ડેટા સેન્ટર્સ વિ.ની ઉદ્યોગો તરફથી માગ વધુ તથા સપ્લાય ઓછી રહેતાં આશરે ૧૫ કિલો ઔંસની સપ્લાય ડેફીસીટ જોવા મળી છે.
હવે ટૂંકમાં શરૂ થનારા નવા વર્ષમાં વિશ્વ બજારમાં ચાંદીના ભાવ વધુ વધી ઔંસના ૧૦૦ ડોલર થઈ જવાની શક્યતા જોતાં ઘરઆંગણે આગળ ઉપર ચાંદીના ભાવ ૩ લાખ રૂપિયા થઈ જવાની શક્યતા બળવત્તર બની હોવાનું બજારના તજજ્ઞાોએ જણાવ્યું હતું.
વિશ્વવ્યાપી ધોરણે ચાંદીમાં છેલ્લા સતત પાંચ વર્ષથી સપ્લાય ડેફીસીટની સ્થિતિ જોવા મળી છે. ચીન દ્વારા ચાંદીની નિકાસ પર અંકુશોના સંકેતો તથા લંડન અને ન્યુયોર્ક બજારમાં ચાંદીના સ્ટોકમાં ઘટાડાના સંકેતોએ તેજીને નવા કારણો આપ્યા છે. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૭૪૦૪થી વધી રૂ.૧૩૯૪૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૭૯૫૬થી વધી રૂ.૧૩૯૯૫૦ બોલાતા થયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૩૮૦થી ૨૩૮૧ વાળા વધી ૨૪૫૮થી ૨૪૫૯ ડોલર બોલાયા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૮૩૬થી ૧૮૬૭ વાળા વધી ૧૯૪૧થી ૧૯૪૨ ડોલર રહ્યા હતા. જો કે ક્રૂડતેલના ભાવ આજે ઝડપી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ ૬૨.૨૯ વાળા નીચામાં ભાવ ૬૦.૫૬ થઈ ૬૦.૬૪ ડોલર રહ્યા હતા. યુક્રેનના પ્રમુખની અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સાથે મળનારી મિટિંગ પર ક્રૂડતેલ બજારની નજર રહી હતી. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૭.૮૬ તથા ઉંચામાં ૯૮.૧૩ થઈ છેલ્લે ૯૮.૦૫ રહ્યાના નિર્દેશો હતા.

