ટેરિફ વોરને પગલે વૈશ્વિક અર્થતંત્રમાંની તાણ વૈશ્વિક બૃહદ આર્થિક આઉટલુક સામે અનેક પડકારો ધરાવે છે અને ભારત પણ તેમાંથી મુકત નથી, એમ રિઝર્વ બેન્કના ઓકટોબર માટેના બુલેટિનમાં પ્રકાશિત લેખમાં જણાવાયું હતું.

આમછતાં ભારતીય અર્થતંત્રએ અત્યારસુધી સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. નીચા ફુગાવા, બેન્કિંંગ તથા કોર્પોરેટની બેલેન્સશીટની મજબૂત સ્થિતિએ દેશના અર્થતંત્રને સ્થિતિસ્થાપકતા પૂરી પાડવામાં ટેકો પૂરો પાડયો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ વર્તમાન વર્ષના પ્રારંભમાં વર્તમાન વર્ષ માટે દેશનો આર્થિક વિકાસ દરનો અંદાજ વધારી ૬.૮૦ ટકા મૂકયો હતો.
નિકાસ મોરચે અનિશ્ચિતતા છતાં, ઘરઆંગણેના પરિબળોને પરિણામે વિકાસનું આઉટલુક સ્થિતિસ્થાપક જણાઈ રહ્યું હોવાનો પણ સદર લેખમાં મત વ્યકત કરવામાં આવ્યો છે.નબળી બહારી માગની સ્થિતિને કારણે વિકાસ પર પડેલી અસર ઘરેલુ માળખાકીય સુધારાના ટેકા સાથે થોડીઘણી ભરપાઈ થઈ શકી છે.
વિકાસને ટેકો પૂરો પાડવા નીતિને વધુ ઉદાર બનાવવાનો માર્ગ હાલની બૃહદ આર્થિક સ્થિતિએ મોકળો કર્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ટેરિફને કારણે નિકાસ મોરચે ભારતે હાલમાં નવા સમીકરણો ઊભા કરવાની ફરજ પડી છે.
જો કે ભારત પરના ઊંચા ટેરિફને કારણે દેશના એકંદર આર્થિક વિકાસ સામે મોટી ચિંતા ઊભી કરી નથી એમ પણ લેખમાં નોંધવામાં આવ્યું છે. ટેરિફને કારણે અમેરિકામાં ભારતના માલસામાનની નિકાસમાં ઘટાડો તોળાઈ રહ્યો છે.

