વૈશ્વિક સ્તરે વધતી ભૂરાજકીય અસ્થિરતા તેમજ ટેરિફ અંગેની દ્વિધા પાછળ વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં નોંધાયેલા ઉછાળા પાછળ આજે ઘરઆંગણે દિલ્હી બુલિયન બજારમાં ચાંદી સતત પાંચમા દિવસે પણ મજબૂત રહી હતી. આજે સવારે દિલ્હી ચાંદીમાં રૂા. ૫,૦૦૦ વધતા તે રૂા. ૨,૯૫,૦૦૦ની નવી ટોચે પહોંચી હતી જ્યારે સોનું ઘટીને રૂા. ૧,૪૩,૪૦૦ની સપાટીએ બંધ રહ્યું હતું. આજે અમદાવાદ સોના-ચાંદી બજાર બંધ રહ્યું હતું.મુંબઈ ઝવેરી બજારમાં આજે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના પગલે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૩૬થી ૪૬૩૭ ડોલરવાળા ભાવ નીચામાં ૪૫૮૧ થઈ ૪૬૨૨થી ૪૬૨૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૯૧.૧૯થી ૯૧.૨૦ ડોલરવાળા ઉંચામાં ભાવ ૯૩.૭૫ તથા નીચામાં ભાવ ૮૬.૩૬ નોંધાઈ ૯૧.૪૭થી ૯૧.૪૮ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે બંધ બજારે ચાંદીના ભાવ કિલોના રૂ.૨૭૭૫૧૨ વાળા રૂ.૨૮૧૫૦૦ના નવા ઉંચા મથાળે બોલાઈ રહ્યા હતા. મુંબઈ ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.દરમિયાન, વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધતાં તેના પગલે વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડો હળવા થઈ રહ્યા હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ નીચામાં ૯૯.૦૯ તથા ઉંચામાં ૯૯.૨૩ થઈ ૯૯.૧૯ રહ્યાના નિર્દેશો હતા.
અમેરિકામાં રિટેલ સેલના આંકડા પ્રોત્સાહક આવ્યા હતા. ઈરાન પ્રત્યે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આક્રમક વલણ બદલાવી હવે કુણું વલણ બતાવ્યાના સમાચાર આવતાં વિશ્વ બજારો પર તેની ઈમ્પેક્ટ આજે દેખાઈ હતી. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધતાં અટકી ૩.૫૦ થી ૪.૦૦ ટકા ગબડયા હતા.
બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના તૂટી નીચામાં ભાવ ૬૩.૪૬ થઈ ૬૪.૧૮ ડોલર રહ્યા હતા જે બુધવારે ઉંચામાં ૬૬ ડોલર ઉપર ગયા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૫૯.૧૩ થઈ ૫૯.૮૨ ડોલર રહ્યા હતા. મિનરલ ટેરીફ અંગે ટ્રમ્પે હળવો અભિગમ બતાવતાં તેની અસર પણ વૈશ્વિક સોના-ચાંદી બજાર પર જોવા મળી હતી.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૪૧૫ વાીળા ઘટી ૨૨૭૩ થઈ ૨૩૬૮થી ૨૩૬૯ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૮૬૧ વાલા નીચામાં ૧૭૬૬ થઈ ૧૮૨૪થી ૧૮૨૫ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ આ જે ઉંચા મથાળેથી આશરે એક ટકો ઘટયાના વાવડ હતા. અમેરિકામાં ક્રૂડતેલ તથા ગેસોલીનનો સ્ટોક વધ્યો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.

