દેશના અર્થતંત્રમાં ક્રેડિટ ફલો વધારવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ શેરો સામે લોનની મર્યાદામાં વધારો કરવાની અને આઈપીઓ ફાઈનાન્સિંગ લિમિટ પણ વધારવાની જાહેરાત કરી હતી. વર્તમાન વર્ષમાં રેપો રેટમાં કુલ ૧૦૦ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે, આમછતાં ધિરાણ પ્રવાહમાં અપેક્ષિત પરિણામ જોવા મળતું નહીં હોવાનું ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કનો આ નિર્ણય આવી પડયો છે.

રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની ત્રણ દિવસની બેઠકના અંતે ગવર્નર સંજય મલ્હોત્રાએ બેન્કો માટે શેરો સામે લોનની મર્યાદા જે હાલમાં રૂપિયા ૨૦ લાખ છે તે વધારી રૂપિયા એક કરોડ કરવા અને આઈપીઓ ફાઈનાન્સિંગ લિમિટ રૂપિયા ૧૦ લાખથી વધારી રૂપિયા ૨૫ લાખ કરવાની જાહેરાત કરી હતી.
મર્જર અને એક્વિઝિશન માટે દેશના કોર્પોરેટને ધિરાણ પૂરા પાડવા બેન્કોને મંજુરી આપવાનો પણ નિર્ણય લેવાયો છે. દેશના બેન્કિંગ ક્ષેત્ર માટે આ એક મહત્વનો નિર્ણય ગણવામાં આવે છે.
મર્જર એન્ડ એક્વિઝિશન માટે હાલમાં જે ખાનગી ધિરાણ થઈ રહ્યું છે તે હવે બેન્કો તરફ વળવાની અપેક્ષા રાખવામાં આવે છે.
ભારતીય ચલણ રૂપિયાના વૈશ્વિક સ્તરે વપરાશ વધે તે માટે સ્થાનિક બેન્કોને પડોશી દેશોમાં વેપારગૃહોને રૂપિયામાં ધિરાણ કરવા મંજુરી અપાઈ છે. રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણ કરવાના ભાગરૂપ રિઝર્વ બેન્ક સ્થિર પ્રગતિ કરી રહી છે, એમ ગવર્નરે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ભારતના પડોશી દેશો ભુતાન, નેપાળ તથા શ્રીલંકાના નોન-રેસિડેન્ટસને રુપી સ્વરુપમાં ધિરાણ પૂરા પાડવા દેશની બેન્કોને પરવાનગી અપાશે.

