કેન્દ્રીય બજેટ 2026માં નાણામંત્રી નિર્મલા સીતારમણે શેરબજારના રોકાણકારો અને ખાસ કરીને ટ્રેડર્સ માટે એક મોટો આંચકો આપ્યો છે. ડેરિવેટિવ્ઝ માર્કેટ (F&O) પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેની સીધી અસર શેરબજાર પર જોવા મળી છે.

STT માં કેટલો વધારો થયો?
નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે હવેથી ઓપ્શન પ્રીમિયમ પર STT 0.0625% થી વધારીને 0.15% કરી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે, ફ્યુચર્સ પર STT દર 0.0125% થી વધારીને 0.05% કરવામાં આવ્યો છે. આ વધારાનો અર્થ એ છે કે હવે ઓપ્શન અને ફ્યુચર્સમાં ટ્રેડિંગ કરવું નોંધપાત્ર રીતે મોંઘું થઈ જશે.
બજારમાં મચ્યો હાહાકાર
આ જાહેરાત થતાની સાથે જ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ એક તબક્કે 2300 પોઈન્ટ થી વધુ ગગડ્યો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 670 પોઈન્ટ નો કડાકો જોવા મળ્યો હતો. બજારના નિષ્ણાતો માને છે કે બજાર પહેલાથી જ દબાણમાં હતું, તેવામાં STT વધારવાનો આ યોગ્ય સમય નહોતો.
બ્રોકિંગ ફર્મ્સના શેરો પટકાયા
STT વધવાના સમાચારથી કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા શેરોમાં લોઅર સર્કિટ લાગી હતી:
BSE અને Angle One: 10 ટકાની લોઅર સર્કિટ.
Groww: શેરમાં 11 ટકાનો ઘટાડો.
શું છે STT (Securities Transaction Tax)?
જ્યારે તમે શેરબજારમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ કે ડેરિવેટિવ્ઝ (F&O) ની ખરીદી કે વેચાણ કરો છો, ત્યારે સરકાર દ્વારા જે ટેક્સ લેવામાં આવે છે તેને STT કહે છે. આ ટેક્સ તમારે અલગથી ભરવો પડતો નથી, પરંતુ બ્રોકર ટ્રેડ વખતે જ કાપીને સરકારને જમા કરાવી દે છે. F&O ટ્રેડિંગમાં STT માત્ર વેચાણ (Sell) પર જ લાગે છે.
સરકારનો તર્ક છે કે રિટેલ રોકાણકારો ફ્યુચર્સ એન્ડ ઓપ્શનના જોખમથી બચે તે માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે.

