Union Budget 2026: મોરબી સિરામિક એસોસિએશને બજેટ પહેલા સરકાર પાસે GST દરમાં ઘટાડો અને મોરબીમાં જ આધુનિક લેબોરેટરી સ્થાપવાની માગ કરી છે. નિકાસમાં 50% ના ઘટાડાને પગલે ચિંતા વ્યક્ત કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા આગામી બજેટ રજૂ થાય તે પહેલાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ પોતાની પડતર માંગણીઓ અને સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું છે. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્યોગના અસ્તિત્વ અને વિકાસ માટે GST દરમાં ધરખમ ઘટાડો કરવાની માગ કરવામાં આવી છે.સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું હતું કે, હાલમાં સિરામિક પ્રોડક્ટ્સ પર 18 ટકા GST લાગુ છે. જો સરકાર આ ટેક્સ ઘટાડીને 5 ટકા કરે, તો જ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં મોરબીનો માલ સ્પર્ધામાં ટકી શકશે. ટેક્સનો બોજ ઓછો થવાથી નિકાસને મોટું પ્રોત્સાહન મળી શકે તેમ છે.

ઉદ્યોગકારોએ દાવો કર્યો છે કે, છેલ્લા કેટલાક સમયથી નિકાસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અગાઉ જ્યાં રૂપિયા 30 હજાર કરોડની નિકાસ થતી હતી, તેની સામે હાલમાં માત્ર રૂપિયા 15 હજાર કરોડની નિકાસ થઈ રહી છે. આ સ્થિતિ ચિંતાજનક છે અને જો ટેક્સના દરોમાં સુધારો કરવામાં આવે, તો ફરીથી નિકાસમાં તેજી આવી શકે છે.
સિરામિક ઉદ્યોગની અન્ય એક મુખ્ય માંગણી લેબોરેટરીને લઈને છે. હાલમાં સિરામિક પ્રોડક્ટ્સના ટેસ્ટિંગ માટે સેમ્પલ અમદાવાદ અથવા કલકત્તા મોકલવા પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થાય છે. ઉદ્યોગકારોએ માગ કરી છે કે, મોરબીમાં જ આધુનિક સુવિધાઓ ધરાવતી લેબોરેટરી સ્થાપવામાં આવે જેથી ઉદ્યોગને ઝડપી અને સરળ ટેસ્ટિંગ સુવિધા મળી રહે. મોરબીનો આ ઉદ્યોગ હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે, ત્યારે સરકાર બજેટમાં આ માંગણીઓ સ્વીકારે તે ઉદ્યોગના હિતમાં અત્યંત અનિવાર્ય છે.
