મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયામાં મંદી ઝડપથી આગળ વધતાં રૂપિયો વધુ ગબડી રૂ.૯૦ના નવા નીચા તળિયે ઉતરી જતાં કરન્સી બજારમાં નવો ઈતિહાસ સર્જાયો હતો.

રૂપિયા સામે ડોલરના ભાવમાં તીવ્ર તેજી આગળ વધતાં ડોલરના ભાવ વધી ઉંચામાં રૂ.૯૦ની સપાટી પાર કરી ઉંચામાં ભાવ રૂ.૯૦.૩૦ સુધી પહોંચી જતાં બજારના ખેલાડીઓ આ રેકોર્ડ બ્રેક ચાલથી સ્તબ્ધ બની ગયા હતા. શેરબજારમાં પીછેહટ તથા દેશમાં ફોરેન ઈન્ફલો ઘટયાના વાવડ વચ્ચે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી વધી રહ્યાના સમાચાર આવતાં ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયામાં રોજેરોજ નવા નીચા ભાવ દેખાતા રહ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. રૂપિયા સામે ડોલરના ભાવ ૮૯.૮૮ વાળા આજે સવારે રૂ.૮૯.૯૭ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૮૯.૯૬ રહ્યા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૯૦ની સપાટી કુદાવી ગયા હતા. ડોલરના ભાવ ઉંચામાં રૂ.૯૦.૩૦ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૯૦.૧૩ રહ્યા હતા. ડોલરના ભાવ આજે વધુ ૨૫ પૈસા વધતાં રૂપિયો વધુ ૦.૨૮ ટકા તૂટયો હતો. દેશમાં વેપાર ખાધ વધતાં તથા ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારમાં વિલંબ થતાં તેમ જ ફોરેક્સ રિઝર્વમાં પણ ઘટાડો થતાં રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. રૂપિયો તૂટતાં વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં દેશમાં મોંઘવારી વધવાની ભીતિ છતાં આવા માહોલમાં ડોલર ઉછળતાં નિકાસકારોને ફાયદો થતાં નિકાસ વધવાની આશા પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. ડોલરમાં અમુક આયાતકારોએ લેવાલી પણ જોવા મળી હતી. રિઝર્વ બેન્કની બજારમાં સક્રિયતા ધીમી પડતાં સરકારી બેન્કો દ્વારા ડોલરમાં વેચવાલી પણ ધીમી પડતાં ડોલરની તેજીને મોકળું મેદાન મળી ગયું હોવાનું બજારના એનાલીસ્ટો જણાવી રહ્યા હતા.દેશમાંથી નિકાસ વધારવા રિઝર્વ બેન્ક રૂપિયાને પીઠબળ આપવાની નીતિમાં વિલંબ કરી રહ્યાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ રહી હતી. ડોલરમાં પ્રથમ વાર રૂ.૯૦નો ભાવ આજે જોવા મળ્યો હતો. હવે રૂ.૧૦૦ના ભાવ પર ખેલાડીઓની નજર મંડાઈ હતી! જોકે વિશ્વ બજારમાં આજે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૦.૧૯ ટકા ઘટી નીચામાં ૯૯૧.૦ થઈ ૯૯.૧૨૭ રહ્યાના નિર્દેશો હતા! દરમિયાન, મુંબઈ બજારમાં રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૭૬ પૈસા ઉછળી ઉંચામાં ભાવ રૂ.૧૧૯.૬૨ થઈ ૧૧૯.૫૦ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ વધુ ૫૭ પૈસા વધી ઉંચામાં ભાવ રૂ.૧૦૫ પાર કરી રૂ.૧૦૫.૧૮ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૧૦૪.૯૩ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૫૦ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૩૬ ટકા ઉંચકાતાં વિવિધ પ્રમુખ બધી કરન્સીઓ સામે રૂપિયામાં આજે સાર્વત્રિક કડાકો નોંધાયો હતો. રૂપિયાની વર્તમાન મંદીની ચાલ જોતાં ડોલરના ભાવ નાતાલ પૂર્વે રૂ.૯૧થી ૯૧.૫૦ થઈ જવાની શક્યતા બજારના જાણકારો તથા સટ્ટારૂપી તત્વો બતાવી રહ્યા હતા.
નાગેશ્વરનનો અલગારી મત
ભારતીય ચલણ રૂપિયો અમેરિકન ડોલરની સામે બુધવારે પ્રથમ વખત ૯૦નું લેવલ વટાવીને ઐતિહાસિક તળિયે પહોંચ્યો છે. રૂપિયાના અવમૂલ્યનથી દેશના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે. આયાત મોંઘી થવાની સાથે મોંઘવારી વધવાની પણ આશંકા છે. જોકે દેશના મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું કે રૂપિયાના ઘટાડાથી કોઈ ખાસ ફરક પડતો નથી.

