ટેરિફ દબાણ અને વૈશ્વિક તણાવ છતાં ભારત તેના નિકાસ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. ડિસેમ્બરમાં ભારતે નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો છે. ગુરુવારે વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ચીનમાં ભારતની નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
ડિસેમ્બરમાં જ ભારતની ચીનમાં નિકાસ વાર્ષિક ધોરણે 67.35% વધીને $2.04 બિલિયન થઈ ગઈ છે. આ મહિને ભારતે ચીનમાં ઇલેક્ટ્રોનિક્સ, દરિયાઈ અને કૃષિ ઉત્પાદનોનો સૌથી મોટો શિપમેન્ટ મોકલ્યો છે. વધુમાં તેલ આધારિત ખોરાક, દરિયાઈ ઉત્પાદનો, ટેલિકોમ્યુનિકેશન સાધનો અને મસાલાઓની નિકાસમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે.
એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન ચીનને મર્ચેંડાઇઝ એક્સપોર્ટમાં સારો ઉછાળો જોવા મળ્યો. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં $10.42 બિલિયનથી વધીને $14.25 બિલિયન થયો છે. તેવી જ રીતે ડિસેમ્બરમાં પણ વર્ષ-દર-વર્ષ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો પરંતુ આંકડાઓની તુલનામાં નિકાસમાં થોડો ઘટાડો થયો છે. એપ્રિલથી નવેમ્બર દરમિયાન ભારતની ચીનમાં નિકાસ $12.22 બિલિયન (આશરે ₹1,850,000 કરોડ) રહી છે.

2025 દરમિયાન ભારતની ચીનમાં નિકાસમાં પણ વધારો થયો. વાર્ષિક ચીની કસ્ટમ ડેટા અનુસાર 2025માં ભારતની ચીનમાં કુલ નિકાસ આશરે $19.75 બિલિયન હતી જે પાછલા વર્ષની સરખામણીમાં 9.7 ટકા વધુ છે.ભારતની ચીનમાં સૌથી વધુ નિકાસ પેટ્રોલિયમ ઉત્પાદનોની હતી. આ પછી મોબાઇલ ફોન અને ફોનના સ્પેરપાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક ઘટકો, OLED ફ્લેટ-પેનલ ડિસ્પ્લે મોડ્યુલ્સ, એલ્યુમિનિયમ અને સેમી-એલ્યુમિનિયમ ઉત્પાદનો, સલ્ફર અને રાસાયણિક કાચો માલ, કેટલાક કૃષિ ઉત્પાદનો અને ખાદ્ય વસ્તુઓ જેવા ઇલેક્ટ્રોનિક માલનો સમાવેશ થાય છે. ચીનમાં દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં પણ વધારો થયો. ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં, મુખ્ય વસ્તુઓમાં પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, ફ્લેટ પેનલ ડિસ્પ્લે મોડ્યુલ્સ અને ટેલિફોની માટેના અન્ય ઇલેક્ટ્રિકલ સાધનોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી.
ડેટા અનુસાર ડિસેમ્બરમાં ચીનથી આયાત 20% વધીને $11.7 બિલિયન થઈ. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતની ચીનમાં નિકાસ 36.7 % વધીને 14.24 અબજ ડોલર થઈ. જ્યારે આયાત 13.46 % વધીને 95.95 અબજ ડોલર થઈ. આના કારણે નવ મહિનાના સમયગાળામાં ચીન સાથેની વેપાર ખાધ 81.71 અબજ ડોલર થઈ.

