દેશના રાજ્યોની અંદર અથવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રૂપિયા ૫૦,૦૦૦થી વધુની કિંમતના માલસામાનની હેરફેર માટે જનરેટ કરવાની રહેતી ઈલેકટ્રોનિક પરમીટ એટલે કે ઈ-વે બિલ્સની સંખ્યા સપ્ટેમ્બરમાં ૧૩.૨૦ કરોડ સાથે અત્યારસુધીની વિક્રમી રહી છે.

ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ વર્તમાન વર્ષના સપ્ટેમ્બરના ઈ-વે બિલ્સની સંખ્યામાં ૨૧.૧૦ ટકા વધારો જોવાયો છે, પરંતુ ઓગસ્ટની સરખામણીએ આ સંખ્યા માત્ર ૨.૨૦ ટકા જેટલી જ વધુ છે એમ ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) નેટવર્કના ડેટા પરથી જણાય છે.
વર્તમાન વર્ષના જુલાઈમાં ૧૩.૧૯ કરોડ ઈ-વે બિલ્સ જનરેટ કરાયા હતા જે અત્યારસુધીની બીજી સૌથી મોટી સંખ્યા છે. મજબૂત માગને પગલે નવરાત્રીના તહેવાર પહેલા તથા દરમિયાન માલસામાનની રવાનગીમાં થયેલા વધારાને કારણે ઈ-વે બિલ્સની સંખ્યા ઊંચી રહી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. દેશમાં જીએસટી મારફતની આવકમાં પણ વર્તમાન નાણાં વર્ષમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ પણ જોરદાર જોવા મળી છે. ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ૫૭.૭૦ રહ્યો હતો અને ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. ઉત્પાદન ક્ષેત્રના વિસ્તરણ માલસામાન માટેની માગ ઊંચી રહી હોવાના સંકેત આપે છે.
સરકારે જીએસટીના દરમાં ૨૨ સપ્ટેમ્બરથી ઘટાડો લાગુ કર્યા બાદ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં માલસામાનની હેરફેરમાં વધારો થયાનું કહી શકાય એમ છે. નવરાત્રીના સમયમાં ખાસ કરીને કન્ઝયૂમર ડયૂરેબલ્સ, એસી, ટીવી, સહિતના માલસામાનની ઊંચી માગ જોવા મળી હતી.
ઈ-વે બિલ્સની સંખ્યામાં વધારાનો અર્થ કરદાતાઓ વેરાની ચૂકવણીમાં ફરજપાલન કરતા હોવાનું કહી શકાય છે એમ એક વેરા નિષ્ણાતે જણાવ્યું હતું

