BUSINESS : માર્ચમાં વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો, 1.17 લાખ કરોડનું રેકોર્ડ વેચાણ

0
25
meetarticle

સ્થાનિક મંદ માંગની સાથે વૈશ્વિક પડકારો તૂટી પડતા ભારતીય શેરમાર્કેટમાં માર્ચમાં ભૂકંપ આવ્યો હતો. માર્ચ ૨૦૨૬ ભારતીય શેરબજાર માટે ૨૧મી સદીના બીજા દાયકાના સૌથી પડકારજનક મહિનાઓમાંનો એક હતો. વિદેશી રોકાણકારોએ પણ આ કપરા સમયમાં ભારતીય માર્કેટનો સાથ છોડયો છે. આ સમયગાળા દરમિયાન વિદેશી રોકાણકારોએ રૂ. ૧.૧૭ લાખ કરોડથી વધુનું વેચાણ કર્યું હતું. 

સીડીએસએલના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)એ નાણાંકીય વર્ષના છેલ્લા મહિનામાં રૂ. ૧.૧૭ લાખ કરોડથી વધુનું રોકાણ પરત ખેંચી લીધું હતું. વિદેશી રોકાણકારોની આ એકધારી વેચવાલીથી બજારની દિશા સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી અને બજાર માનસ ખરડાયું હતુ.

ગત મહિને ફાઈનાન્શિયલ સર્વિસીસ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થયું હતું. બેંકિંગ અને એનબીએફસી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. વિદેશી રોકાણકારોએ આ સેગમેન્ટમાંથી જ માત્ર રૂ. ૬૦,૬૫૫ કરોડ પાછા ખેંચાયા હતા. આંકડો દર્શાવે છે કે દેશના બેંકિંગ સિસ્ટમ પર વિદેશી રોકાણકારોનો વિશ્વાસ કેટલી હદ સુધી ઘટયો છે. એફઆઈઆઈની કસ્ટડી હેઠળની સંપત્તિ (એયુસી) ઘટીને રૂ. ૧૯.૦૪ લાખ કરોડ થઈ ગઈ, જે ૨૨ મહિનાની નીચી સપાટી છે.

આ વેચાણની સીધી અસર બેંક નિફ્ટી પર પડી અને માર્ચમાં ૧૭ ટકાથી વધુ તૂટયો હતો. કોરોના મહામારી બાદનો આ સૌથી મોટો ઘટાડો માનવામાં આવે છે. આ સેક્ટરના માર્કેટ કેપમાં પણ રૂ ૯ લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો. ખાસ કરીને મોટા બેંકિંગ શેરોની નબળાઈએ સમગ્ર સેક્ટર પર દબાણ સર્જ્યું હતુ.

આ સિવાય બેંકોમાં એકતરફી વેચવાલી પાછળ બોન્ડ યિલ્ડ પણ જવાબદાર છે. ૧૦ વર્ષના સરકારી બોન્ડની યિલ્ડ ૭ ટકાને વટાવી ગઈ અને તેના કારણે બેંકોના રોકાણ પોર્ટફોલિયો પર માર્ક-ટુ-માર્કેટ નુકસાનનું જોખમ વધ્યું. માર્કેટ એક્સપર્ટસનો  અંદાજ છે કે બેંકિંગ સિસ્ટમને રૂ. ૨૪૦૦૦-૫૦૦૦ કરોડ સુધીનું નુકસાન થઈ શકે છે.

આ દરમિયાન, રૂપિયાની નબળાઈ અને આરબીઆઈની કડક લિક્વિડિટી પોલિસીએ પરિસ્થિતિને વધુ જટિલ બનાવી હતી. માર્ચમાં રૂપિયો ડોલર સામે ૪.૨૪ ટકા ઘટયો, જે છ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. આનાથી નાણાકીય સ્થિતિ વધુ કથળી અને બેંકોના ધિરાણ અને માર્જિન પર દબાણ વધવાની શક્યતા સેવાતી ગઈ. 

માર્ચ મહિનામાં વિદેશી રોકાણકની વેચવાલીનું દબાણ ફક્ત બેંકિંગ સેક્ટર પૂરતું મર્યાદિત નહોતું. ઓટો, કન્સ્ટ્રકશન અને મેટલ સેક્ટરમાં પણ હજારો કરોડ રૂપિયાના ઉપાડ જોવા મળ્યા, જ્યારે એફએમસીજી, રિયલ્ટી અને હેલ્થકેર જેવા સેક્ટરોમાંથી પણ ફંડ પરત ખેંચાયું હતુ.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here