BUSINESS : રશિયાથી ક્રુડ તેલની આયાત ઘટી પણ અમેરિકા તથા મધ્ય પૂર્વ ખાતેથી વધારો

0
48
meetarticle

વર્તમાન નાણાં વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત વાર્ષિક ધોરણે ૮.૪૦ ટકા ઘટી છે જ્યારે મધ્ય પૂર્વ તથા અમેરિકા ખાતેથી આયાતમાં વધારો થયાનું જોવા મળે છે એમ પ્રાપ્ત ડેટા પરથી કહી શકાય એમ છે. રશિયાના ક્રુડ ઓઈલ પરના ડિસ્કાઉન્ટમાં ઘટાડો તથા તેનું ઓઈલ નહીં ખરીદવા અમેરિકા દ્વારા ભારત પર દબાણને કારણે આયાત ઘટી હોવાનો રિફાઈનરો દાવો કરી રહ્યા છે.

અમેરિકા ખાતેથી ક્રુડ તેલની આયાત વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં વાર્ષિક ધોરણે ૬.૮૦ ટકા વધી પ્રતિ દિન ૨.૧૩ લાખ બેરલ રહી છે. અમેરિકા સાથે દ્વીપક્ષી વેપાર કરારમાં ક્રુડ તેલનો મુદ્દો મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

વર્તમાન વર્ષના સપ્ટેમ્બરમાં ભારતની ક્રુડ તેલની એકંદર આયાત પ્રતિ દિન ૪૮.૮૦ લાખ બેરલ રહી છે, જે ઓગસ્ટની સરખામણીએ ૧ ટકો નીચી છે અને ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ ૩.૫૦ ટકા વધુ હોવાનું પણ પ્રાપ્ત ડેટામાં વધુમાં જણાવાયું છે.ભારતની ક્રુડ તેલની આયાતમાં રશિયાનો હિસ્સો જે ગયા વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં ૪૦ ટકા હતો તે વર્તમાન વર્ષના આ ગાળામાં ઘટી ૩૬ ટકા પર આવી ગયો છે. બીજી બાજુ મધ્ય પૂર્વના તેલનો હિસ્સો આ ગાળામાં ૪૨ ટકા પરથી વધી ૪૫ ટકા થયો છે. 

દરમિયાન ક્રુડ  તેલના પૂરવઠામાં વધારો થતા રશિયાના ક્રુડ તેલ પર ડિસ્કાઉન્ટ વધી ગયાનું જોવા મળી રહ્યું  છે. આવનારા દિવસોમાં ભારત દ્વારા રશિયાનું  તેલ વધુ ખરીદાશે તેવી શકયતા જોવાઈ રહી છે.

ડેટેડ બ્રેન્ટની સરખામણીએ ઉરલ્સ પર પ્રતિ બેરલ બેથી અઢી ડોલરનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જે ભારત જેવા ક્રુડ તેલના મોટા વપરાશકાર દેશ માટે આકર્ષક કહી શકાય. 

જુલાઈમાં એક ડોલરના તફાવતની સરખામણીએ હાલનો બેથી અઢી ડોલરનો તફાવત નોંધપાત્ર ઊંચો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. વર્તમાન ઓકટોબરમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત વધી પ્રતિ દિન સરેરાશ ૧૭ લાખ  બેરલ રહેવા ધારણાં રાખવામાં આવી રહી છે. જે સપ્ટેમબરની સરખામણીએ છ ટકા જેટલી ઊંચી હશે.  

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here