ભારત સાથે ચાલી રહેલી દ્વીપક્ષી વેપાર કરાર મંત્રણામાં અમેરિકાએ ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદવામાં આવતા ક્રુડ તેલના મુદ્દાને પણ ઉઠાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘરઆંગણેની માગને પહોંચી વળવા ભારત રશિયા ખાતેથી સસ્તા ક્રુડ તેલની આયાત વધારી રહ્યું છે.

આસિસ્ટન્ટ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ બ્રેન્ડાન લિન્ચની આગેવાની હેઠળ તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રતિનિધિમંડળે તેમની સાથે વાટાઘાટ કરી રહેલા ભારતના અધિકારીઓ સમક્ષ રશિયા પાસેથી તેલની ખરીદીના મુદ્દાને ઉપસ્થિત કર્યો હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું. વેપાર વાટાઘાટમાં ભારતની ક્રુડ તેલની ખરીદી બાબતે ચર્ચા કરવા અમેરિકા દ્વારા આગ્રહ કરાયો હતો. અમેરિકા દ્વારા ઉઠાવાયેલો આ મુદ્દો યોગ્ય નથી કારણ કે, ભારતના અન્ય દેશ સાથેના વેપાર અમેરિકા સાથેની દ્વીપક્ષી વેપાર કરારને લગતી મંત્રણાનો ભાગ બની ન શકે.
અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલા ૫૦ ટકા ટેરિફને લઈને બન્ને દેશો વચ્ચે ઊભી થયેલી વેપાર તાણ ઘટાડવા દ્વીપક્ષી વેપાર કરાર મહત્વના બની રહે છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છા આપવા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાયેલા ફોન અને બન્ને નેતાઓ વચ્ચે થયેલી વાતચીતને ધ્યાનમાં રાખતા વેપાર તાણ હળવી થવાના સંકેત મળી રહ્યા છે. વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ નવેમ્બરના અંત સુધીમાં અમેરિકા સાથે વેપાર કરાર થઈ જવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
રશિયાના ક્રુડ તેલની આયાતને કારણે લાગુ કરાયેલી વધારાની ૨૫ ટકા ટેરિફ પાછી ખેંચી લેવા ભારતે અમેરિકાના પ્રતિનિધિમંડળને જણાવી દીધું હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. વધારાની ૨૫ ટકા ડયૂટી અયોગ્ય, અન્યાયી અને અવ્યવહારુ હોવાનો ભારત તરફથી બચાવ કરાયો હતો.

