અમેરિકા સાથે ટ્રેડ ડીલ થવામાં થયેલા વિલંબ તેમજ વેપાર ખાદ્યમાં વધારો થવા સહિતના અન્ય પ્રતિકુળ પરિબળો પાછળ વિદેશી હુંડીયામણ બજારમાં આજે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો ૮૯.૪૯ના નવા તળીયે પટકાયો હતો. જોકે, કામકાજના અંતે તે ૮૯.૪૨ના મથારે બંધ રહ્યો હતો. ડોલરના ભાવ આજે રૂપિયા સામે ઝડપી ૭૧ પૈસા વધી જતાં ડોલર સામે રૂપિયો ૦.૭૯ ટકા ગબડયો હતોે.

શેરબજાર તૂટતાં કરન્સી બજારમાં આજે રૂપિયા પર દબાણ વધ્યું હતું સામે રૂપિયાને તૂટતો અટકાવવા માટે રિઝર્વ બેન્કના પ્રયત્નો પણ આજે અપેક્ષા કરતાં ધીમા રહ્યા હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૮૮.૭૧ વાળા આજે સવારેે રૂ.૮૮.૬૯ ખુલી નીચામાં ભાવ રૂ.૮૮.૬૦ સુધી ઉતર્યા પછી ભાવ ઝડપી ઉછળી ઉંચામાં રૂ.૮૯ની સપાટી પાર કરી રૂ.૮૯.૪૯ની નવી ટોચ બતાવી છેલ્લે રૂ.૮૯.૪૨ બંધ રહ્યા હતા.વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તૂટતાં ઘરઆંગણે કરન્સી બજારમાં આજે આરંભના સોદાઓમાં ડોલર સામે રૂપિયો ઉંચો રહ્યો હતો પરંતુ ત્યારબાદ શેરબજાર તૂટતાં રૂપિયો બપોર પછી ઝડપી ગબડતો જોવા મળ્યો હતો. દરમિયાન, કરન્સી બજારમાં ચર્ચાતી વાતો મુજબ ઈરાનના ક્રૂડ ઓઈલના ટ્રેડના સંદતર્ભમાં અમેરિકાએ ભારતની અમુક કંપનીઓ સામે વિવિધ અંકુશો લાદતાં કરન્સી બજારમાં રૂપિયામાં તીવ્ર પીછેહટ દેખાઈ હતી.
આ પૂર્વે રૂપિયામાં રૂ.૮૮.૮૦ના તળિયાના ભાવ સપ્ટેમ્બરમાં દેખાયા હતા અને આજે રૂપિયો ઝડપી તૂટી રૂ.૮૯ના નવા તળિયાને તોડી રૂ.૮૯.૪૯ સુધી ઉતરી જતાં કરન્સી બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. રૂપિયો તૂટતાં તથા ડોલરના ભાવ ઉછળતાં દેશમાં આયાત થતી વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ હવે વધી જશે તથા તેના પગલે ફુગાવો તથા મોંઘવારી વધી જવાની ભીતિ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
ભારતમાં વેપાર ખાધ વધતાં તથા નિકાસમાં ઘટાડો નોંધાતાં તેની અસર પણ રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. સોનાની આયાત વધતાં તેની અસર પણ કરન્સી બજાર પર દેખાઈ હતી. દરમિયાન, ભારત તથા અમેરિકા વચ્ચે વેપાર કરારમાં થઈ રહેલા વિલંબના પગલે પણ રૂપિયા પર દબાણ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ અમેરિકામાં આગળ ઉપર વ્યાજના દરમાં વધુ ઘટાડો થવાની શક્યતા ઘટતાં તેની અસર ડોલર પર પોઝીટીવ તથા રૂપિયા પર નેગેટીવ જોવા મળી હતી. આગળ ઉપર ડોલરના ભાવ વધુ વધી રૂ.૯૦ થઈ જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધી ઉંચામાં ૧૦૨થી ૧૦૩ સુધી જવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. દેશમાંથી ડોલરનો આઉટફલો પણ વધ્યાની ચર્ચા બજારમાં આજે સંભળાઈ હતી.
ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૦૦.૧૯ થઈ ૧૦૦.૦૭ રહ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, રૂપિયા સામે આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૧ પૈસા વધી ૧૧૬.૧૩ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૧૯ પૈસા વધી રૂ.૧૦૨.૪૫ રહ્યા હતા. જાપાનની કરન્સી આજે ૦.૩૩ ટકા ઘટી હતી.ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૦૭ ટકા ઉંચકાઈ હતી.

