BUSINESS : રેકોર્ડ ભાવે પણ સોનાચાંદીની આયાત સપ્ટેમ્બરમાં બમણી રહ્યાના સંકેત

0
72
meetarticle

સોનાચાંદીના વૈશ્વિક ભાવ સપ્ટેમ્બરમાં ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચવા છતાં બન્ને કિંમતી ધાતુની આયાત ઓગસ્ટની સરખામણીએ  સમાપ્ત થયેલા મહિનામાં બમણી રહી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. તહેવારો પહેલા બેન્કો તથા ટ્રેડરોએ મોટી માત્રામાં ઈન્વેન્ટરી ઊભી કરવા ખરીદી ચાલુ રાખી હતી.

વિશ્વમાં સોનાના બીજા મોટા વપરાશકાર દેશ ભારતની ઊંચી આયાતને પરિણામે સોનાના વૈશ્વિક ભાવને ટેકો મળી રહ્યો છે. સોનાના મોટા ખરીદદાર ચીન દ્વારા સોનાની આયાત ઊંચા ભાવે ધીમી પડી હતી. 

આયાતમાં વધારો થતાં ભારતની વેપાર ખાધમાં વધારો જોવા મળશે અને રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.

છેલ્લા બે સપ્તાહથી બેન્કો અને ટ્રેડરો કસ્ટમ્સમાંથી મોટી માત્રામાં સોનાની ક્લિઅરિંગ પ્રક્રિયા પાર પાડી રહ્યા છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાની ખરીદી પાછળ આટલો મોટો ધસારો જોવા મળ્યો નહીં હોવાનું તેમણે ઉમેર્યું હતું. ઓગસ્ટની સરખામણીએ કસ્ટમ્સ સત્તાવાળાઓએ સપ્ટેમ્બરમાં આયાતનું જંગી વોલ્યુમ હાથ ધર્યું છે. આયાત ડયૂટીની વસૂલાત માટે  સપ્ટેમ્બરના અંતે  સોનાચાંદીની ટેરિફ વેલ્યુ જાહેર થાય તે પહેલા ડિલિવરી લેવામાં ટ્રેડરોએ ઉતાવળ કરી હતી. 

સોનાચાંદીના વૈશ્વિક ભાવમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી સપ્ટેમ્બરના અંતે જાહેર થનારી ટેરિફ વેલ્યુ ઊંચી આવવાની આયાતકારો ધારણાં રાખી રહ્યા છે. કસ્ટમ્સ ડયૂટીની વસૂલાત માટે સોનાચાંદીની ટેરિફ વેલ્યુ ઉપરાંત ડોલર-રૂપિયાના એકસચેન્જ રેટ દર પખવાડિયે જાહેર કરવામાં આવે છે. 

ગયા મહિને ભારતે ૬૪.૧૫ ટન સોનાની આયાત કરી હતી જેનું એકંદર મૂલ્ય ૫.૪૦ અબજ ડોલર રહ્યું હતું જ્યારે ચાંદી માટે આ આંક ૪૧૦.૮૦ ટન અને ૪૫.૧૬ કરોડ ડોલર રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના આંકડામાં અગાઉ જણાવાયું હતું. 

ઘરઆંગણે સોનાના ભાવ હાલમાં પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧.૨૦ લાખ જ્યારે ચાંદી કિલો દીઠ રૂપિયા ૧.૫૦ લાખ પર પહોંચી ગઈ છે. દેશમાં દશેરા તથા દિવાળીના દિવસોમાં સોનાચાંદીની મોટેપાયે ખરીદી રહે છે. એટલું જ નહીં દિવાળી પછી શરૂ થતી લગ્નસરાની મોસમમાં પણ સોનાનાા દાગીનાની માગ નીકળે છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here