રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે સતત બીજી વખત રેપો રેટ ૫.૫૦ ટકા યથાવત રાખવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર લાગુ કરાયેલ ૫૦ ટકા ટેરિફની અસર કેવી રહે છે તે સ્પષ્ટ થાય ત્યાંસુધી આરબીઆઈ વ્યાજ દર અંગે વધુ નિર્ણય પહેલા રાહ જોવા માગે છે એટલુ જ નહીં ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં કરાયેલા ઘટાડા અને રેપો રેટમાં અગાઉના કપાતના પરિણામોનો પણ રિઝર્વ બેન્ક અંદાજ મેળવવા માગે છે. રેપો રેટ યથાવત રખાતા લોનના ઈએમઆઈ તથા લોન પરના વ્યાજ દરમાં હાલમાં ઘટાડો નહીં થાય.

ત્રણ દિવસની બેઠકના અંતે રિઝર્વ બેન્કે વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના પોતાના અંદાજને ૬.૫૦ ટકા પરથી વધારી ૬.૮૦ ટકા કર્યો છે અને ફુગાવાની ધારણાં પણ જે અગાઉ ૩.૧૦ ટકા મૂકી હતી તે ઘટાડી ૨.૬૦ ટકા કરી છે જે ૪ ટકાના ટાર્ગેટની સરખામણીએ નોંધપાત્ર નીચી છે.
અમેરિકાના ટેરિફની કોઈપણ શકય અસર સામે અર્થતંત્રને ટેકો પૂરો પાડવા આવનારા મહિનાઓમાં રેપો રેટમાં કપાતના રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ સંકેત પણ આપ્યા હતા.
છ સભ્યોની એમપીસીએ રેપો રેટ ૫.૫૦ ટકા જાળવી રાખવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. ન્યુટ્રલ સ્ટાન્સને પણ યથાવત રખાયું છે. ન્યુટ્રલ વલણને કારણે એમપીસી ભવિષ્યમાં આવશ્યકત જણાશે તે પ્રમાણે વ્યાજ દરમાં ફેરબદલ કરવાનો વિકલ્પ ખુલ્લો રાખે છે.
વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં રેપો રેટમાં એક ટકા ઘટાડો કરાયો છે. ઓગસ્ટની બેઠકમાં દર યથાવત રખાયો હતો.
હવે પછીના નિર્ણય લેતા પહેલા નીતિવિષયક પગલાંઓની અસર નિહાળવાનું વ્યવહારિક બની રહેશે એમ રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટ યથાવત રાખવા અંગેના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું. હાલની બૃહદ આર્થિક સ્થિતિ અને આઉટલુકે વિકાસને વધુ ટેકો પૂરો પાડવા માર્ગ ખુલ્લા કર્યા છે. જો કે અગાઉ જાહેર કરાયેલા પગલાંના પરિણામો જોવા મળવાના હજુ બાકી હોવાનું પણ બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં તેમણે જણાવ્યું હતું.
અમેરિકા દ્વારા ભારત પર લાગુ કરાયેલ ૫૦ ટકા ટેરિફ તથા એચ૧બી વિઝા વિવાદને પરિણામે વેપારને લગતી અનિશ્ચિતતાઓ ઊભી થઈ રહી છે.
બહારી માગ નબળી હોવા છતાં ઘરેલુ પરિબળોના ટેકા સાથે વિકાસનું આઉટલુક સ્થિતિસ્થાપક હોવાનું ગવર્નરે વધુમાં જણાવ્યું હતું. વર્તમાન વર્ષે સારા ચોમાસા, નીચા ફુગાવા, નાણાં નીતિમાં હળવાશ તથા જીએસટીમાં સુધારાની પોઝિટિવ અસરથી વિકાસને વધુ ટેકો મળી રહેવા તેમણે આશા વ્યકત કરી હતી. ખાધ્ય પદાર્થના નીચા ભાવ તથા જીએસટીમાં ઘટાડાથી ફુગાવો નીચો જોવા મળી રહ્યો છે.

