વિતેલા સપ્તાહમાં દેશના શેરબજારમાં આવેલી ભારે વેચવાલીને પરિણામે રોકાણકારોની સંપતિમાં એક સપ્તાહમાં રૂપિયા ૧૬ ટ્રિલિયનનું ધોવાણ થઈ ગયું હતું. ભારત-અમેરિકા વેપાર કરારમાં ધીમી ગતિ, ઈરાન-અમેરિકા વચ્ચે વધી રહેલી તંગદિલી તથા ભારતીય કંપનીઓના નબળા પરિણામોથી વિદેશી રોકાણકારોનું માનસ ખરડાતા વિતેલા સપ્તાહમાં ભારતીય ઈક્વિટીસમાં તેમની જંગી વેચવાલી આવી હતી.

શુક્રવારે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ ઘટી રૂપિયા ૪૫૨ ટ્રિલિયન રહી હતી. જે સપ્તાહના પ્રારંભની સરખામણીએ ૧૬ ટ્રિલિયન ઓછી હતી.
ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા તથા યુરોપ વચ્ચે તાણને કારણે પણ બજારનું માનસ ખરડાયેલુ રહ્યું હતું. ઈરાન ખાતે અમેરિકાએ યુદ્ધજહાજો મોકલ્યા હોવાના અહેવાલે પણ રોકાણકારો ખાસ કરીને વિદેશી રોકાણકારોની જંગી વેચવાલી આવી હતી. પ્રાપ્ત ડેટા પ્રમાણે વર્તમાન જાન્યુઆરીમાં ઈક્વિટી કેશમાં વિદેશી રોકાણકારોની રૂપિયા ૪૦૭૦૪ કરોડની વેચવાલી રહી છે. ૨૦૨૫ના જુલાઈથી વિદેશી રોકાણકારો દર મહિને સતત નેટ વેચવાલ રહ્યા છે.
ગ્રીનલેન્ડ પર બળ વાપરવામાં નહીં આવે તેવા ટ્રમ્પના નિવેદન છતાં ગ્રીનલેન્ડ સાથેના ઘર્ષણ મુદ્દે શંકાઓ સેવાઈ રહી છે.
નાણાં વર્ષ ૨૦૨૬-૨૭ના સામાન્ય બજેટને હવે સપ્તાહની વાર છે ત્યારે રોકાણકારો પણ હાલમાં સાવચેતી ધરાવી રહ્યાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું.
ભારત-અમેરિકા વેપાર કરાર નજીકના ભવિષ્યમાં થશે કે કેમ તેને લઈને બજારના ખેલાડીઓ શંકા સેવી રહ્યા છે.
વૈશ્વિક અશાંતિ વચ્ચે વિદેશી રોકાણકારો ઊભરતી બજારોની ઈક્વિટીમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે અને સોના જેવી સેફ હેવન એસેટસમાં રોકાણ વધારી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
૨૦૨૫ના વર્ષમાં એફઆઈઆઈ ભારતીય ઈક્વિટીસમાં નેટ વેચવાલ રહ્યા હતા. સેકટર પ્રમાણે જોવા જઈએ તો એફઆઈઆઈની સૌથી વધુ વેચવાલી આઈટી, એફએમસીજી તથા પાવર ક્ષેત્રની કંપનીઓની ઈક્વિટીસમાં રહી હતી.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૭૧૦થી વધી ૨૭૮૩ થઈ ૨૭૭૮થી ૨૭૭૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઔંસના ૧૯૭૩ વાળા ઉછળી ૨૦૦૦ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ભાવ ૨૦૨૮ થઈ છેલ્લે ૨૦૧૭થી ૨૦૧૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ વધુ ૨.૯૨ ટકા વધ્યા હતા તથા ટનના ભાવ કોપરના વધી ૧૩ હજાર ડોલરની ઉપર ગયા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં પણ તેજી આગળ વધી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૬૫.૨૪ વાળા ઉંચામાં ભાવ ૬૬.૩૩ થ ૬૫.૮૮ ડોલર રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે તણાવ ફરી વધતાં ક્રૂડતેલમાં તેજી આવી હતી. જો કે અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૩૬ લાખ ટન વધ્યો હોવાનું યુએસ એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

