અમેરિકામાં મહત્વના આર્થિક ડેટાની વર્તમાન સપ્તાહમાં જાહેરાત પહેલા સોનામાં સ્થિરતા જોવા મળી હતી.ફેડરલ રિઝર્વનો વ્યાજ દર અંગેનો નિર્ણય મહત્વના ડેટા પર નિર્ભર રહેતો હોવાથી બજારની નજર આ ડેટા પર રહેલી છે. ગુરુવારે નોનફાર્મ પેરોલ ડેટા જાહેર થવા પહેલા બજારમાં સાવચેતીનો સૂર જોવાયો હતો. વ્યાજ દરમાં ઘટાડો આવશે તેવી શકયતા જોનારાઓની ટકાવારી ઘટી ૫૦ની અંદર ઊતરી ગઈ છે.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૨,૯૨૪ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
૯૯.૫૦ સોનાના જીએસટી વગર રૂપિયા ૧,૨૨,૪૩૨ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૫૪,૯૩૩ મુકાતા હતા.અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧,૨૭,૦૦૦ બોલાતુ હતું. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૬,૭૦૦ રહ્યો હતો. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૫૮,૦૦૦ કવોટ થતા હતા.
વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૪૦૮૫ ડોલર બોલાતુ હતું. ચાંદી ઔંસ દીઠ ૫૦.૮૮ ડોલર કવોટ થતી હતી. પ્લેટિનમ ઔંસ દીઠ ૧૫૫૨ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૦૭ ડોલર કવોટ થતું હતું.
ચોક્કસ પ્રકારની પ્લેટિનમ જ્વેલરી પર ભારત સરકારે તાત્કાલિક રીતે અમલમાં આવે તે રીતે આયાત અંકૂશ મૂકી દીધા છે. આ અંકૂશ ૩૦ એપ્રિલ,૨૦૨૬ સુધી લાગુ રહેશે એમ ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડના એક નોટિફિકેશનમાં જણાવાયું છે.
પ્લેટિનમ જ્વેલરીની આયાતને મુકતમાંથી મર્યાદિત આયાત યાદીમાં આવરી લીધી છે. ચોક્કસ પ્રકારની જ્વેલરીની આયાત કરવા આયાતકારોએ હવેથી ડાયરેકટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડનું લાયસન્સ મેળવવાનું રહેશે. ડોલર ૧૨ પૈસા ઘટી ૮૮.૬૩ રૂપિયા રહ્યો હતો. પાઉન્ડ ૫ પૈસા ઘટી રૂપિયા ૧૧૬.૬૯ જ્યારે યુરો ૩૦ પૈસા ઘટી રૂપિયા ૧૦૨.૮૪જોવાયો હતો.
રશિયાના નિકાસ ટર્મિનલો ખાતે ક્રુડ તેલના લોડિંગ ફરી શરૂ થયાના અહેવાલે ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૦.૩૩ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૪.૫૪ ડોલર બોલાતું હતું.

