મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવ ઘટતા અટકી ફરી ઉછળ્યા હતા. વિશ્વબજારમાં વધતાં ઘરઆંગણે ઘટયા મથાળે નવી વેચવાલી ધીમી પડી હતી. જોકે નવી માગ પણ છુટીછવાઈ જોવા મળી હતી. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઉછળી ઔંશના ૫૨૦૦ ડોલરનો નવેસરથી આંબી ગયાના સમાચાર મળ્યા હતા.

વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડો ફરી માલ ખરીદવા બજારમાં દાખલ થયાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૫૦૦ ઉંચકાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૧ હજાર ઉછળ્યા હતા. પ્લેટીનમના ભાવ રૂ.૧૫૦૦થી ૨૦૦૦ વધ્યા હતા.
વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૫૧૦૯થી ૫૧૧૦ ડોલરવાળા વધી ઉંચામાં ભાવ ૫૨૦૦થી ૫૨૦૧ ડોલર થઈ ૫૧૯૭થી ૫૧૯૮ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર પાછળ ગરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૬૪૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૬૫૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૬૫૦૦૦ના મથાળે રહ્યા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૮૪.૦૩થી વધી ઉંચામાં ભાવ ૯૦.૦૧ થઈ ૮૯.૧૪થી ૮૯.૧૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, બુલીયન બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના રૂ.૧૧ હજાર વધ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી ઉંચામાં રૂ.૨૭૨૮૩૦ થી રૂ.૨૭૦૯૪૪ રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૯૫૪૭ તથા ૯૯૯ના રૂ.૧૬૦૧૮૮ રહ્યા હતા જ્યારે મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૨૧૫૦ વાળા વધી ૨૨૪૭ થઈ ૨૨૨૮ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ ૧૬૩૮ વાળા ઉંચામાં ૧૭૧૦ થઈ ૧૬૯૬ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૭ ટકા પ્લસમાં રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ મોડી સાંજે ૮૯.૪૯થી ૮૯.૫૦ ડોલર તથા વૈશ્વિક સોનાના ભાવ મોડી સાંજે ૫૨૧૩થી ૫૨૧૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી ઝડપી તૂટયા હતા.
બ્રેન્ટક્રૂડના ભાવ જે સોમવારે ઉછળી ઉંચામાં બેરલના ૧૨૦ ડોલર સધી ઉછળ્યા હતા તે ત્યારબાદ ગબડતાં રહી આજે ભાવ નીચામાં ૮૮.૦૫ થઈ ૯૮.૮૮ ડોલર રહ્યા હતા. ક્રૂડના ભાવ ઉંચા મથાળેથી બેરલના ૩૧થી ૩૨ ડોલર તૂટી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. યુએસ ક્રૂડના ભાવ ગબડી નીચામાં ૮૪.૪૩ થઈ ૮૮.૩૦ ડોલર રહ્યા હતા.

