વિશ્વ બજારમાં નબળી માગ અને વધુ પડતા પૂરવઠાને પરિણામે ભારતના ચોખાના ભાવ ઘટી નવ કરતા વધુ વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયા હતા જ્યારે થાઈ ચોખાના ભાવ પણ વિતેલા સપ્તાહમાં ૧૮ વર્ષના તળિયે બોલાતા હોવાનું સ્થાનિક ટ્રેડરોએ જણાવ્યું હતું. રૂપિયામાં વોલેટિલિટીએ પણ ભારતના ચોખાની કિંમત પર દબાણ આણ્યું હતું.

ભારતના પાંચ ટકા ટૂકડા પારબોઈલ્ડ જાતિ પ્રતિ ટન ૩૪૦ થી ૩૪૫ ડોલર કવોટ થતા હતા જ્યારે થાઈલેન્ડના પાંચ ટકા ટૂકડા ચોખા પ્રતિ ટન ૩૪૦ ડોલર બોલાતા હતા જે સપ્તાહ પહેલા ૩૪૫ ડોલર કવોટ થતા હતા.
ચોખાના ઉત્પાદક દેશોમાં વર્તમાન વર્ષે સારા વરસાદથી પાર સારો ઊતર્યો છે જેને પરિણામે પૂરવઠામાં વધારો થયો છે. આયાતકારો ખપ પૂરતો જ માલ મંગાવતા હોવાથી ભાવ પર દબાણ જોવા મળી રહ્યું હોવાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું.
ભારતના ચોખાના નિકાસ ભાવ ૨૦૧૬ના મધ્ય બાદ નીચી સપાટીએ જોવા મળી રહ્યા છે. ગયા સપ્તાહમાં ભારતના ચોખા પ્રતિ ટન ૩૫૮થી ૩૬૫ ડોલરની રેન્જમાં બોલાતા હતા, એમ અન્ય એક ટ્રેડરે જણાવ્યું હતું.

