શેરબજારમાં કડાકાના ઈતિહાસની દ્રષ્ટિએ ઓકટોબર મહિનો પ્રચલિત રહ્યો છે. કારણ કે શેરબજારમાં આ મહિનાના નામે અનેક કડાકા લખાયા હોવાનું ઐતિહાસિક ડેટા પરથી કહી શકાય એમ છે.
શેરબજારના ઈતિહાસનો સૌથી મોટો કડાકો આજથી ૯૬ વર્ષ પહેલા એટલે કે ૨૮ ઓકટોબર, ૧૯૨૯ના જોવા મળ્યો હતો.

જો કે શેરબજારમાં ઘટાડાનો પ્રારંભ ૨૪ ઓકટોબરથી શરૂ થયો હતો. બ્લેક થર્સડે તરીકે ઓળખાયેલા આ કડાકામાં ન્યુ યોર્ક સ્ટોક એકસચેન્જના મૂલ્યમાં ૧૧ ટકાનું ધોવાણ થઈ ગયું હતું.
૨૮ ઓકટોબર, ૧૯૨૯ના સોમવારે મોટા કડાકામાં ડાઉ ઈન્ડેકસ ૧૩ ટકા તૂટી ગયાનું પ્રાપ્ત ઐતિહાસિક ડેટા પરથી જણાય છે. સતત બીજા દિવસે એટલે કે ૨૯ ઓકટોબરના પણ ઘટાડો ચાલુ રહ્યો હતો અને બજાર ૧૨ ટકા ઘટી ગયુ હતું.
૨૯ ઓકટોબરના શેરધારકોની સંપતિમાં ૧૪ અબજ ડોલરનું ધોવાણ થયું હતું અને ૧.૬૦ કરોડ શેરોનો તે સમયે વેપાર થયો હતો.
ત્યારબાદ ૧૯૮૭ના ૧૯ ઓકટોબરના બોલાઈ ગયેલા કડાકામાં ડાઉ જોન્સ ૫૦૮ પોઈન્ટ ઘટી ગયો હતો અને રોકાણકારોએ એક જ દિવસમાં ૫૦૦ અબજ ડોલરનું નુકસાન કર્યાનું પ્રાપ્ત ડેટામાં ઉલ્લેખ કરાયો છે.

