વિશ્વભરના શેરબજારો છેલ્લા કેટલાક સમયથી ભારે અસ્થિરતાનો અનુભવ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ હુમલાઓએ વેપાર યુદ્ધને વેગ આપ્યો છે. આ પરિસ્થિતિઓ વચ્ચે, વિશ્વના અગ્રણી રોકાણકાર બર્કશાયર હેથવેના ચેરમેન વોરેન બફેનું વલણ પણ બદલાયું છે. અત્યાર સુધી, તેમણે સોના અને ચાંદીને નોન-પ્રોડક્ટિવ સંપત્તિ ગણાવી રોકાણ કરવાથી દૂર રહેતાં હતાં અને સ્ટોક માર્કેટમાં જ રોકાણ કરવા સલાહ આપતાં હતા. હવે તેઓ કિંમતી ધાતુ તરફ વળ્યા છે. પ્રખ્યાત પુસ્તક ‘રિચ ડેડ, પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ એક મોટું એલર્ટ આપતાં કહ્યું છે કે, સ્ટોક અને બોન્ડ માર્કેટમાં મોટો કડાકો આવવાનો છે. તેમણે ફરી એકવાર સોના અને ચાંદીને એકમાત્ર સલામત રોકાણ વિકલ્પ તરીકે દર્શાવ્યો છે.

સેફ હેવનમાં રોકાણ કરવા સલાહ
સોનાની કિંમતોમાં આ વર્ષે અનેકગણો ઉછાળો નોંધાયો છે. સોનું અને ચાંદી ચાલુ કેલેન્ડર વર્ષમાં 45 ટકાથી વધુ ઉછળ્યું છે. સેફ હેવનમાં મબલક રિટર્નને ધ્યાનમાં લેતાં વોરેન બફે પણ હવે તેને સમર્થન આપી રહ્યા છે. તેમણે 1998માં કિંમતી ધાતુને બેકાર સંપત્તિ ગણાવતાં કહ્યું હતું કે, સોનું માત્ર સંગ્રહ માટે ઉપયોગી છે. પરંતુ હવે તેમાં રોકાણ કરવા સલાહ આપી રહ્યા છે.સોના-ચાંદીના ભાવમાં વધારો નોંધાતા નાણાકીય ક્ષેત્રના બે અત્યંત પ્રભાવશાળી વ્યક્તિઓ (રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકી અને બર્કશાયર હેથવેના ચેરમેન વોરેન બફે) વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચા ફરી શરૂ થઈ છે. કારણ કે, રોબર્ટ કિયોસાકી હંમેશા લોકોને સોના, ચાંદી અને બિટકોઈનમાં રોકાણ કરવાની સલાહ આપતા આવ્યા છે. તેમાં પણ વોરેન બફેના બદલાયેલા વલણ મુદ્દે કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે કે, ‘વોરેન બફે વર્ષોથી મારા જેવા સોના અને ચાંદીના રોકાણકારોની ટીકા અને મજાક ઉડાવી રહ્યા છે, તેમનો અચાનક તેને ટેકો ચોક્કસપણે સંકેત આપે છે કે, શેર અને બોન્ડ માર્કેટ તૂટવાનું છે, તેમાં મંદી વધવાની છે.’
વધુમાં પોસ્ટ કરી હતી કે, કદાચ હવે બર્કશાયર હેથવેના ચેરમેન વોરેન બફેને સાંભળવાનું અને થોડું સોનું, ચાંદી, બિટકોઇન અને ઇથેરિયમ ખરીદવાનો સમય છે. મોડું થાય તે પહેલાં બિટકોઇન, સોનું અને ચાંદી ખરીદો. એ નોંધવું યોગ્ય છે કે કિયોસાકી લાંબા સમયથી સોના, ચાંદી અને વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સીના સમર્થક રહ્યા છે, અને ખાસ કરીને તેની ડિઝાઇનને કારણે બિટકોઇનને પણ સૌથી અસરકારક રોકાણ ગણાવ્યું છે.

