મુંબઈ ઝવેરી બજારમાં આજે ગુડફ્રાઈડે તથા બેન્ક હોલીડેના પગલે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે સોના-ચોંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૨૩ વાળા વધી ઉંચામાં ભાવ ૪૮૦૦ ડોલર થઈ ૪૬૭૬થી ૪૬૭૭ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડો ફરી દાખલ થયા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૧૦૦.૦૮ તથા નીચામાં ૯૯.૯૫ થઈ ૧૦૦.૦૦ રહ્યાના સમાચાર હતા. દરમિયાન, વૈશ્વિક ચાંદીના ભાવ સોના પાછળ ૭૦.૬૦થી વધી ઉંચામાં ભાવ ૭૫.૮૫ થઈ ૭૩.૦૧થી ૭૩.૦૨ ડોલર રહ્યા હતા.દરમિયાન, ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ વધ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ ઉછળ્યા હતા. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ જે ગુરૂવારે નીચામાં રૂ.૯૨.૮૨ થઈ રૂ.૯૩.૧૦ રહ્યા હતા તે ભાવ શુક્રવારે બંદ બજારે ઘટી રૂ.૯૨.૬૨થી ૯૨.૬૩ બોલાઈ રહ્યા હતા.
ભારતમાં ફોરેક્સ રિઝર્વ ઘટયાના સમાચાર હતા. વોરના કારણે ભારતની ઉત્પાદન પ્રવૃત્તિ પર અસર થયાના સમાચાર હતા. અમેરિકામાં બેરોજગારીના દાવા ૯૦૦૦ ઘટી ૨ લાખ ૨ હજાર આવ્યા હતા. અપેક્ષા ૨ લાખ ૧૨ હજારની હતી. ત્યાં આવા જોબલેસ કલેઈમ્સ ઘટી બે વર્ષના તળિયે ઉતરતાં જોબ માર્કેટ યુદ્ધ છતાં સ્ટ્રોન્ગ રહ્યાનું જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ વધી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૫૩૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૫૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધી કિલોના રૂ.૨૩૫૦૦૦ બોલાયા હતા. મુંબઈ બજારમાં સોનાના ભાવ રૂ.૨૦૦૦ વધી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૪૮૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૮૬૦૦ રહ્યા હતા.
મુંબઈ ચાંદીના ભાવ રૂ.૬૦૦૦ વધી જીએસટી વગર ભાવ રૂ.૨૩૪૦૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પર ફરી યુદ્ધની અસર દેખાઈ હતી. બ્રેન્ટના ભાવ બેરલના ૧૦૮.૮૪ વાળા વધી ૧૦૯.૭૪ થઈ ૧૦૯.૦૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૧૦૯.૧૩ વાળા ઉંચામાં ભાવ ૧૧૩.૯૭ થઈ ૧૧૧.૫૪ ડોલર રહ્યા હતા.
બ્રેન્ટ કરતાં યુએસ ક્રૂડના ભાવ ઉંચા બોલાતા થતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ બ્રેન્ટ ક્રૂડમાં તાત્કાલિક ડિલીવરી મેળવવી હોય તો ૧૪૧થી ૧૪૨ ડોલર જેવા ઉંચા ભાવ ચૂકવવા પડતા હોવાના નિર્દેશો હતા. આવા ભાવ છેલ્લે ૨૦૦૮માં દેખાયા હતા.
દરમિયાન, પ્લેટીનમના ભાવ વધી ૨૦૦૦ થઈ ૧૯૮૯થી ૧૯૯૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૫૧૨ થઈ ૧૫૦૪થી ૧૫૦૫ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક કોપર ૧.૧૨ ટકા માઈનસમાં રહ્યું હતું. અમેરિકામાં આજે નોન-ફાર્મ પેરોલ્સ ડેટામાં પણ જોબગ્રોથ અપેક્ષાથી ઉંચો આવ્યો હતો.

