BUSINESS : સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો

0
13
meetarticle

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી ઉછળ્યા હતા. વિશ્વ બજાર વધી જતાં ઘરઆંગણે ઈંપોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન યુદ્ધ સમાપ્ત થશે એવી આશા ઊભી થતાં વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ સામે વૈશ્વિક સોનામાં તેજી આવી હતી. 

 વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તથા ચાંદીના ભાવ કિલોના રૂ.૬૦૦૦ ઉછળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૫૭૨થી વધી ૪૭૬૨ થઈ ૪૭૫૮થી ૪૭૫૯ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૮૮ તથા નીચામાં ૯૯.૪૧ થઈ ૯૯.૪૬ રહ્યાના નિર્દેશો હતા.

કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૩.૯૫ વાળા નીચામાં ભાવ રૂ.૯૩.૩૦ થઈ રૂ.૯૩.૪૪થી ૯૩.૪૫ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૭૧.૨૫ વાળા વધી ઉંચામાં ભાવ ૭૫.૬૨ થઈ ૭૫.૨૭થી ૭૫.૨૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના  ભાવ વધી રૂ.૨૩૮૦૦૦ તથા સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૦૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૯૮૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ૧૪૯૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, યુદ્ધ સમાપ્તીની આશા વચ્ચે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપી ગબડયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ  બેરલના ૧૧૪.૮૬ વાળા નીચામાં ૯૮.૩૫ થઈ ૧૦૧.૪૧ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૧૦૧.૩૬થી ઘટી ૯૬.૫૦ થઈ ૯૮.૬૩ ડોલર રહ્યા હતા. 

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૬૮૦૦ વાળા રૂ.૧૫૦૨૪૯ તથા ૯૯૯ના રૂ.૧૪૭૪૦૦ વાળા રૂ.૧૫૦૮૫૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૩૫૦૦૦ વાળા રૂ.૨૩૯૮૩૬ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ વધી ૬૪ હજાર પાર કરી રૂ.૬૪૬૯૭ રહ્યા હતા.

દરમિયાન રૂપિયાને પીઠબળ આપવા તથા ડોલરમાં સટ્ટારૂપી એકટીવીટીને કાબુમાં રાખવા તાજેતરમાં રિઝર્વ બેન્ક દ્વારા વિવિધ પગલાંઓ જાહેર થયા છે. આના પગલે બેન્કીંગ ક્ષેત્રે લગભરાટ વધતાં બેન્કોએ આર્બીટ્રેજ ટ્રેડમાંથી નિકળી જવાનો વ્યુહ અપનાવ્યાના  સંકેતો મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આના પગલે તાજેતરમાં ડોલરના ભાવમાં ચાલુ બજારે ઉંચા ભાવ નીચા ભાવ વચ્ચેનો તફાવત વધતાં ૧૩ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. બેન્કોએ આર્બીટ્રેજ ટ્રેડમાંથી આશરે ૧૦ અબજ ડોલરની પોઝીશન હળવી કર્યાના અંદાજ બેન્કીંગ જાણકારો દર્શાવી રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here