મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ ફરી તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વબજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃધ્ધિ થઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૬૪૯થી ૩૬૫૦ ડોલરથી ઉછળી સપ્તાહના અંતે ૩૬૮૫થી ૩૬૮૬ ડોલર રહ્યાના નિર્દેશો હતા.

સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૪૨.૧૮થી ૪૨.૧૯ વાળા વધી ૪૩ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૪૩.૧૦ થઈ છેલ્લે ભાવ ૪૩.૦૮થી ૪૩.૦૯ ડોલર રહ્યા હતા.મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૦૯૩૩૫ વાળા ઉછળી રૂ.૧૧૦૪૦૦ બોલાયા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૦૯૭૭૫ વાળા વધી રૂ.૧૧૦૮૫૦ રહ્યા હતા.મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ રૂ.૧૨૮૦૦૦ વાળા રૂ.૧૩૦૫૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૧૪૦૯ ડોલર રહ્યા હતા. જોકે પેલેડીયમ ઘટયું હતું. પેલેડીયમના ભાવ ૧૧૫૫ ડોલર રહ્યા હતા.
દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ રૂ.૮૦૦ વધી ૯૯૫ના રૂ.૧૧૪૦૦૦ તથા ૯૯૯ના રૂ.૧૧૪૩૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૨૦૦૦ ઉછળી રૂ.૧૩૧૫૦૦ને આંબી ગયા હતા.
દરમિયાન, સ્વીસ ગોલ્ડની નિકાસ અમેરિકા તરફ નોંધપાત્ર ઘટી હોવાના સમાચાર હતા જ્યારે સ્વીસ ગોલ્ડની ચીન તરફ નિકાસમાં તાજેતરમાં ખાસ્સી વૃધ્ધિ થઈ હોવાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, આજે બંધ બજારે ડોલરના ભાવ રૂ.૮૮.૧૨ વાળા રૂ.૮૮.૧૦ રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૭.૨૭ તથા ઉંચામાં ૯૭.૮૧ થઈ છેલ્લે ૯૭.૬૫ રહ્યાના સમાચાર હતા.
વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૭.૩૪ વાળા નીચામાં ૬૬.૪૪ થઈ છેલ્લે ભાવ ૬૬.૬૮ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક વધ્યાના વાવડ હતા. વિશ્વબજારમાં યુએસ ક્રૂડના ભાવ ૬૩.૩૨ વાળા ઘટી ૬૨.૬૦ થઈ છેલ્લે ભાવ ૬૨.૬૮ ડોલર રહ્યા હતા.

