મુંબઈ ઝવેરીબજારમાં આજે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવ ઉંચા મથાળે સાંકડી વધઘટ વચ્ચે એકંદરે જળવાઈ રહ્યા હતા. અમેરિકામાં હવે નવા સપ્તાહમાં મંગળ તથા બુધવારે મળનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર બજારની નજર રહી હતી અને ઝવેરીબજારમાં એકંદરે ભાવ ઉછાળો પચાવાઈ રહ્યો હતો.

અમેરિકામાં તાજેતરમાં જોબગ્રોથના આંકડા નબળા આવ્યા છે તથા ત્યાં હવે વ્યાજના દરમાં ઘટાડો કરાશે એ વાત નિશ્ચિત બની છે અમદાવાદ ઝવેરીબજારમાં ભાવ આજે ઉંચા મથાળે જળવાઈ રહ્યા હતા.
અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૧૩૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૧૩૫૦૦ બોલાઈ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૨૯૦૦૦ના મથાળે ઉછાળો પચાવતા જોવા મળ્યા હતા. દરમિયાન, વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૬૪૪ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશદીઠ ૪૨.૧૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૦૯૩૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૯૭૫૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૨૮૦૦૦ રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૮૮.૨૯ વાળા રૂ.૮૮.૩૦થી ૮૮.૩૧ બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૯૭.૭૬ વાળો ઉંચામાં ૯૭.૮૬ તથા નીચામાં ૯૭.૪૪ થઈ છેલ્લે ૯૭.૬૨ રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૧૩૯૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૨૦૧ ડોલર રહ્યા હતા. ક્રૂડતેલના વૈશ્વિક ભાવ ઘટયા પછી ફરી ઉંચકાયા હતા. વિશ્વબજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૭.૨૬ વાળા નીચામાં ભાવ ૬૫.૭૧ થઈ છેલ્લે ભાવ ૬૬.૯૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૧.૬૯ થઈ છેલ્લે ભાવ ૬૨.૬૯ ડોલર રહ્યા હતા.

