બે વર્ષના રેકોર્ડ વધારા પછી, કિંમતી ધાતુઓએ આ વર્ષે રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા, જ્યારે સેન્સેક્સ અને નિફ્ટીએ ખરાબ પ્રદર્શન કર્યું. જાણો શા માટે ઇક્વિટી બજારોએ તેમની ચમક ગુમાવી.સંવત ૨૦૮૧ માં રોકાણ જગતમાં સોના અને ચાંદીનું પ્રભુત્વ રહ્યું હતું. બંને ધાતુઓએ એટલી ગતિ મેળવી કે તેઓ દરેક અન્ય રોકાણ સાધનને પાછળ છોડી ગયા હતા. છેલ્લા બે વર્ષથી સતત વધારા છતાં, કિંમતી ધાતુઓએ આ વખતે તોફાની તેજીના કારણે રોકાણકારો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બીજીતરફ શેરબજારનો વિકાસ ધીમો રહ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં સાધારણ વધારો નોંધાયો, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે રોકાણકારોનું ધ્યાન ઇક્વિટીથી સોના અને ચાંદી તરફ કેન્દ્રિત થયું હતું.

સંવત ૨૦૮૧ માં, સોનું લગભગ ૬૦% અને ચાંદી લગભગ ૬૮% વધી છે. સોનાનો ભાવ ગત દિવાળીના રૂ.૭૯,૨૩૮ પ્રતિ ૧૦ ગ્રામથી વધીને રૂ. ૧.૩૨ લાખ પહોંચ્યો હતો, જ્યારે ચાંદી રૂ. ૯૬,૬૭૦ પ્રતિ કિલોથી વધીને રૂ. ૧.૬૩ લાખ પ્રતિ કિલો પહોંચી હતી. બંનેએ માત્ર શેરબજાર કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું એટલું જ નહીં પરંતુ લગભગ દરેક મુખ્ય રોકાણ શ્રેણી કરતાં પણ વધુ સારું પ્રદર્શન કર્યું છે. સતત બે વર્ષ સુધી વૃદ્ધિ છતાં, આ ધાતુઓનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો છે.
આર્થિક અનિશ્ચિતતા, વૈશ્વિક તણાવ અને સલામત આશ્રયસ્થાનોની વધતી માંગને કારણે કિંમતી ધાતુઓ રોકાણકારો માટે ટોચની પસંદગી બન્યા હતા. એકતરફ સોના અને ચાંદી નવી ઊંચાઈએ પહોંચ્યા, ત્યારે આ વખતે શેરબજારમાં ધીમી ગતિ જોવા મળી હતી.
નિફ્ટી માત્ર ૬.૮ ટકા અને સેન્સેક્સ ૫.૮ ટકા વધ્યો હતો. પાછલા વર્ષોની તુલનામાં આ નજીવો આંકડો હતો. નિફ્ટી મિડકેપ ૧૦૦ માત્ર ૫.૮ ટકા વધ્યો, જ્યારે સ્મોલકેપ ૧૦૦ ૨.૧ ટકા ઘટયો છે. બંને મુખ્ય સૂચકાંકો પાછલા બે વર્ષમાં ૩૦ ટકાથી વધુ ઉછળ્યા હતા, ત્યારે આ વખતે રોકાણકારોની ભાવના ઠંડી પડી હોય તેવું લાગે છે.
નિષ્ણાતો કહે છે કે આ વર્ષ બજારમાં સંતુલન પુન:સ્થાપિત કરવાનું વર્ષ હતું. છેલ્લા બે વર્ષની તેજી પછી, રોકાણકારોનો ઉત્સાહ ઓછો થયો હતો, જેના કારણે બજાર થોડા સમય માટે સ્થિર રહ્યું હતું. ગયા વર્ષે રોકાણકારોની ધીરજની કસોટી હતી. ભારતની આર્થિક સ્થિતિ મજબૂત હતી, પરંતુ દેશ વૈશ્વિક બજારોથી થોડો પાછળ રહી ગયો હતો.
આ વર્ષે, મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં સામાન્યતા પાછી આવી છે. છેલ્લા બે વર્ષમાં, આ શેરના ભાવમાં તીવ્ર વધારો થયો હતો, જે તેમના આંતરિક મૂલ્ય કરતાં વધુ હતો. તેથી, આ વખતે બજાર શાંત રહેવા સાથે થોડું ધીમું પડયું છે.
બજારના જાણકારોએ જણાવ્યું હતું કે સોના અને ચાંદી હાલમાં દરેકના ધ્યાન પર છે, પરંતુ રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. તેમના ભાવ ગમે ત્યારે વધઘટ થઈ શકે છે. તીવ્ર લાભો ઘણીવાર ઘટાડા સાથે આવે છે.
તેથી, મોટું રોકાણ કરવાને બદલે, સોના અથવા ચાંદીના ઇટીએફમાં સીપ દ્વારા નાની રકમમાં રોકાણ કરવું વધુ સારું રહેશે.
હાલમાં, ઇક્વિટી વેલ્યુએશન હજુ પણ ઊંચા છે. નિફ્ટી તેની ૧૦ વર્ષની સરેરાશ કરતાં લગભગ ૧૦ ટકા ઉપર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો વધુ મૂલ્યવાન છે.
સોના ચાંદીની ચમક જળવાઈ રહેશે
ગત સંવત વર્ષમાં સોના ચાંદીમાં તોફાની તેજી નવા સંવત વર્ષમાં પણ જળવાઈ રહેવાની સંભાવના છે. વૈશ્વિક સ્તરની પ્રતિકૂળતાઓ સહિતના અન્ય પરિબળો પાછળ સોના ચાંદીમાં તેજીનું તોફાન ચાલુ રહેશે તેમ બજારના જાણકારોએ જણાવ્યું હતું. પ્રવર્તમાન સંયોગો જોતા આગામી સમયમાં સોનું રૂ. ૧,૪૫,૦૦૦ અને ચાંદી રૂ. ૨,૪૦,૦૦૦ને સ્પર્શે તેવી સંભાવના છે.

