હવાઈ મુસાફરી કરનારા મુસાફરો માટે રાહતના સમાચાર છે. નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) દ્વારા ફ્લાઇટ ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ, હવે મુસાફરોને ટિકિટ બુક કર્યા બાદ 48 કલાકનો ‘લુક-ઇન પીરિયડ’ મળશે, જે દરમિયાન ટિકિટ કેન્સલ કરવા કે નામમાં ફેરફાર કરવા પર કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
DGCA દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા નિયમો 26 માર્ચ 2026 થી અમલમાં આવશે. જોકે, આ સુવિધાનો લાભ લેવા માટે કેટલીક શરતો રાખવામાં આવી છે.
ડોમેસ્ટિક ફ્લાઇટ: મુસાફરીની તારીખના ઓછામાં ઓછા 7 દિવસ પહેલા ટિકિટ બુક કરાવી હોવી જોઈએ.
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ: મુસાફરીના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા બુકિંગ હોવું જોઈએ.
બુકિંગ મિડિયમ: આ લાભ ત્યારે જ મળશે, જ્યારે ટિકિટ સીધી એરલાઇનની વેબસાઇટ પરથી બુક કરવામાં આવી હોય.

નામમાં ભૂલ સુધારવી હવે મફત
જો ટિકિટ બુક કરતી વખતે નામમાં સ્પેલિંગની ભૂલ થઈ હોય, તો બુકિંગના 24 કલાકમાં એરલાઇનને જાણ કરવા પર કોઈ પણ ચાર્જ વગર સુધારો કરી આપવામાં આવશે. જો ટિકિટ એજન્ટ દ્વારા લેવામાં આવી હોય, તો પણ રિફન્ડની જવાબદારી એરલાઇનની રહેશે.
નવા નિયમો મુજબ, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હોય તો 7 દિવસમાં રિફન્ડ આપવું પડશે. કેન્સલેશન ચાર્જ ક્યારેય પણ બેઝ ફેર અને ફ્યુઅલ સરચાર્જથી વધુ ન હોઈ શકે. આ ઉપરાંત, જો પરિવારમાં કોઈ મેડિકલ ઇમરજન્સી આવે, તો ડોક્ટરના પ્રમાણપત્રના આધારે એરલાઇને રિફન્ડ અથવા ક્રેડિટ શેલનો વિકલ્પ આપવો પડશે. આ ફેરફારોથી મુસાફરોને થતી આર્થિક લૂંટ અટકશે અને મુસાફરી વધુ ફ્લેક્સિબલ બનશે.
