અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે આગામી વ્યાજ દર સંદર્ભમાં સાવચેતીભર્યો સૂર કાઢતા કિંમતી ધાતુ પર તેની પ્રતિકૂળ અસર પડી હતી અને ઓલટાઈમ હાઈ સપાટીએથી તેમાં સાધારણ પીછેહઠ જોવા મળી હતી. પોવેલની સ્પીચ બાદ વૈશ્વિક બજારોમાં સોનાચાંદીમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. જો કે હાલમાં ચાલી રહેલી ભૌગોલિકરાજકીય અશાંતિ વચ્ચે સોનાચાંદીમાં ઘટાડો સીમિત રહ્યો હતો અને ટ્રેડરોની સેફ હેવન ખરીદી જળવાઈ રહી હતી. અમેરિકામાં ક્રુડ ઓઈલનો સ્ટોક ઘટીને આવતા ભાવને ટેકો મળી રહ્યો છે.

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ ૧,૧૩,૫૮૪ રહ્યા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૩,૧૨૯ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૩૪,૦૮૯ બોલાતી હતી. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧,૧૮,૦૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૧૭,૫૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના ભાવ રૂપિયા ૧,૩૭,૫૦૦ કવોટ થતા હતા.
લેબર માર્કેટમાં નબળાઈ તથા ફુગાવાની ચિંતા વચ્ચે સમતુલા જાળવવાનું ફેડરલ રિઝર્વ ચાલુ રાખશે તેવા જેરોમ પોવેલના નિવેદન વચ્ચે બજારની નજર હવે ઓકટોબરની બેઠક પહેલા આવનારા આર્થિક ડેટા પર રહેશે. પોવેલના નિવેદન બાદ વૈશ્વિક સોનું પ્રોફિટ બુકિંગે સાધારણ નરમ પડયું હતું. સોનુ પ્રતિ ઔંસ ૩૭૬૮ ડોલર બોલાતુ હતું.
નીચામાં સોનુ ૩૭૫૦ ડોલર જોવા મળ્યું હતું જ્યારે ઉપરમાં ૩૭૭૯ ડોલર જોવાયુ હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૪૪.૩૨ ડોલર અને નીચામાં ૪૩.૬૭ ડોલર થઈ મોડી સાંજે ૪૪.૨૨ ડોલર બોલાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ઔંસ દીઠ ૧૪૮૪ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૨૩૨ ડોલર કવોટ થતું હતું.
અમેરિકામાં ગયા સપ્તાહમાં સ્ટોક ઘટીને આવતા પૂરવઠા ખેંચ ઊભી થવાની ધારણાંએ ક્રુડ તેલમાં સુધારા તરફી ચાલ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૪૧ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૮.૫૯ ડોલર મુકાતું હતું.

