RBIનો મોનિટરી પોલિસીની બેઠકના પરિણામ જાહેર કરતાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેર કર્યું હતું કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવી રહ્યો નથી અને તેને 5.5% પર યથાવત્ રાખવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ઘણા લોકો રેપો રેટમાં RBI દ્વારા ઘટાડાની આશા રાખી રહ્યા હતા. જ્યારે મોદી સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડા બાદ વધુ એક મોટી જાહેરાત થવાની વાતો પણ થઈ રહી હતી. જોકે હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે અને RBIએ રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે જેનાથી હવે લોકોના ઈએમઆઇમાં પણ કોઈ ફેરફાર નહીં થાય.

ગત વખતે ટેરિફને કારણે યથાવત્ રાખ્યા હતા
ઉલ્લેખનીય છે કે અગાઉ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ઑગસ્ટમાં મોનેટરી પોલિસી બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. RBIએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીને ધ્યાનમાં લેતા ગત વખતે પણ રેપો રેટ 5.5 ટકાના દરે યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો.
રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય સર્વાનુમતે લેવાયો
આ સાથે RBIએ ભારતીય અર્થતંત્રનું જીડીપી ગ્રોથ અનુમાન વધારીને 6.8% કરી દીધું છે. આ સાથે રેપો રેટ ઉપરાંત કેન્દ્રીય બૅન્કે એસડીએફ રેટ 5.25% અને એમએસએફ રેટ 5.75% પર યથાવત્ રાખ્યા હતા. તેમણે કહ્યું કે બેઠકમાં એમપીસીના તમામ છ સભ્યોએ રેપો રેટ યથાવત્ રાખવા અંગે સહમતિ આપી હતી.

