ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બે દિવસની બેઠકના અંતે કમિટિ આજે વ્યાજ દરમાં ઘટાડો જાહેર કરશે તેવી વધી ગયેલી શકયતા તથા અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તાણ હળવી થઈ રહ્યાના સંકેતોએ વિશ્વ બજારમાં સોનાચાંદીના ભાવ નીચા મથાળેથી જોરદાર રિબાઉન્સ થયા હતા.

બીજી બાજુ ઈઝરાયલે ગાઝામાં ફરી હુમલા શરૂ કર્યાની અહેવાલોએ પણ સોનામાં સેફ હેવન માગ ઊભી કરી હતી. અમદાવાદ ચાંદી રૂપિયા ૭૦૦૦ જ્યારે ચાંદી રૂપિયા ૩૦૦૦ ઊંચકાઈ હતી.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૨૭૮૫ વધી રૂપિયા ૧,૨૦,૬૨૮ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૪૭૩૭ વધી રૂપિયા ૧,૪૬,૬૩૩ મુકાતા હતા.
અમદાવાદ બજારમાં સોનુ ૯૯.૯૦ દસ ગ્રામ દીઠ રૂપિયા ૩૦૦૦ વધી રૂપિયા ૧,૨૪,૫૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૨૪,૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૭૦૦૦ વધી રૂપિયા ૧,૫૦,૦૦૦ બોલાતા હતા.
અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શકયતા તથા ઈઝરાયેલ દ્વારા ગાઝા પર ફરી હુમલા શરૂ કરાયાના અહેવાલે વૈશ્વિક સોનામાં બાઉન્સબેક થઇ ઊંચકાઈને પ્રતિ ઔંસ ૪૦૧૭ ડોલર બોલાતુ હતું જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૮.૩૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ પણ વધી ૧૬૧૬ ડોલર અને પેલેડિયમ ઔંસ દીઠ ૧૪૨૦ ડોલર કવોટ થતું હતું.
પૂરવઠો વધવાની ચિંતાએ ક્રુડ તેલમાં નરમાઈ ચાલુ રહી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૦.૧૭ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ ૬૪.૪૫ડોલર મુકાતું હતું.

