વૈશ્વિક બજારમાં ઉથલપાથલ અને અમેરિકા-યુરોપ વચ્ચે વધતા ટ્રેડ વોરના તણાવને કારણે આજે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે. 21 જાન્યુઆરી, બુધવારે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં આશરે 2.70%નો ઉછાળો આવતા તે નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે.

સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો
બુધવારે સવારે સોનાના ભાવમાં એટલો મોટો વધારો થયો કે તેણે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સવારે લગભગ 9:30 વાગ્યે, ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો પ્રતિ 10 ગ્રામના ₹1,54,628 પર પહોંચી ગયો હતો. સોનાની સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી, જ્યાં માર્ચ મહિનાનો ચાંદીનો વાયદો વધીને કિલો દીઠ ₹3,25,326 પર પહોંચ્યો હતો. દુનિયાભરમાં ચાલી રહેલા દેશો વચ્ચેના વિવાદો અને આર્થિક અસ્થિરતાને કારણે લોકો અત્યારે સોના-ચાંદીમાં રોકાણ કરવું સૌથી સુરક્ષિત માની રહ્યા છે, જેના કારણે આ જંગી ભાવ વધારો થયો છે.
કેમ વધ્યા ભાવ? મુખ્ય 3 કારણ
1. અમેરિકા-યુરોપ ટ્રેડ વોરની આશંકા: અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે વ્યાપાર યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુરોપિયન સંસદ અમેરિકા સાથેના વ્યાપાર કરારને મંજૂરી આપવાની પ્રક્રિયા રોકી શકે છે. બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મેળવવાની પોતાની જીદ યથાવત રાખી છે, જેનાથી તણાવ વધ્યો છે.
2. ટ્રમ્પની ટેરિફ વધારવાની ધમકી: ટ્રમ્પે 1 ફેબ્રુઆરીથી આઠ યુરોપિયન દેશો પર 10% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, 1 જૂન 2026થી આ ટેરિફ વધારીને 25% કરવાની ધમકી આપી છે. તેના જવાબમાં યુરોપિયન દેશો પણ વળતા આર્થિક પગલાં લેવા તૈયાર થયા છે.
3. ડોલરમાં નબળાઈ અને સુરક્ષિત રોકાણ: વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે શેરબજારમાં કડાકો જોવા મળ્યો છે. રોકાણકારો જોખમ લેવાને બદલે સોનાને સુરક્ષિત માની તેમાં રોકાણ વધારી રહ્યા છે. આ સાથે જ ડોલરની નબળાઈએ પણ સોનાની કિંમતોને ટેકો આપ્યો છે.

