BUSINESS : ચોખાનો સ્ટોક વધતાં ઈથેનોલ તરફ ફાળવણીમાં વૃદ્ધિ

0
14
meetarticle

દેશમાં અનાજ બજારોમાં ચોખાના સમીકરણો તાજેતરમાં પલ્ટાતા જોવા મળ્યા છે. ચોખાનું ઉત્પાદન ઘરઆંગણે નવી ઉંચાઈઓને આંબી રહ્યાના વાવડ મળ્યા હતા. ત્યારે બીજી તરફ ઈરાનમાં તંગદીલી વધતાં ભારતના ચોખા બજારમાં ઈરાનની નવી માગને ફટકો પડતાં અનાજ બજારોમાં અજંપો વધ્યો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. રવિ પાકની મોસમમાં ચોખા (ડાંગર)ના વાવેતર હેઠળનો વિસ્તાર આ વર્ષે વધી ૨૫ લાખ ૫૦ હજાર હેકટર્સની સપાટી પાર કરી ગયાના સમાચાર મળ્યા હતા. પાછલા વર્ષે આ આંકડો ૨૦ લાખ ૯૮ હજાર હેકટર્સનો નોંધાયો હતો તે આ વર્ષે વધી ૨૫ લાખ ૫૮ હજાર હેકટર્સનો નોંધાતા રવિ વાવેતરમાં ડાંગર-ચોખાના વાવેતરમાં આશરે ૧૧થી ૧૨ ટકાની વૃદ્ધી થઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

દરમિયાન, કેન્દ્ર સરકાર હસ્તકના ગોદામોમાં ચોખાનો સ્ટોક વધ્યો છે. સરકાર પાસે ડાંગરનો એટલો સ્ટોક જમા થઈ ગયો છે કે તેમાંથી બધા ડાંગરને ચોખામાં કન્વર્ટ કરવામાં આવે તો સરકાર પાસે ચોખાનો સ્ટોક આશરે ૩૭૦ લાખ ટનનો થવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. સરકાર હસ્તકના ચોખાનો કુલ સ્ટોક વધી આશરે ૬૭૯થી ૬૮૦ લાખ ટનનો થયો છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં પબ્લીક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં વિતરણ કરવા માટે સરકારને વાર્ષિક આશરે ૪૧૦ લાખ ટન ચોખાની જરૂર પડે છે. આ જોતાં સરકારે ચોખાનો પોતાની હસ્તકનો સ્ટોક હળવો કરવા માટે હવે બીજા વિકલ્પો તરફ નજર દોડાવવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

જાન્યુઆરીના આરંભનાં આંકડાઓ જોતાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસે ચોખાનો સ્ટોક આશરે ૩૦૯થી ૩૧૦ લાખ ટનનો અંદાજાતો હતો. પાછલા વર્ષના આ ગાળાના આ આંકડાઓની સરખામણીએ આ વર્ષે આ આંકડો આશરે ૬થી ૭ ટકા ઊંચો રહ્યો છે. ફૂડ કોર્પોરેશન પાસે ડાંગરનો સિલ્લક સ્ટોક આશરે ૧૬ ટકા વધી ૫૫૨થી ૫૫૩ લાખ ટન નોંધાયો છે. જ્યારે ઘઉંનો સ્ટોક ૪૯થી ૫૦ ટકા વધી ૨૭૪થી ૨૭૫ લાખ ટનનો નોંધાયો છે. સરકાર પાસે ડાંગર તથા ચોખાનો કુલ સ્ટોક જે સિલ્લક રહ્યો છે બફર સ્ટોકના ધારાધોરણો (૭૬થી ૭૭ લાખ ટન) ની સરખામણીએ આશરે નવ ગણો વધુ રહ્યો છે. ઘઉંનો આવો સ્ટોક બફર સ્ટોકના ધારાધોરણોની સરખામણીએ આશરે બમણો રહ્યો છે. સરકારે ઈથેનોલ બનાવવા આશરે બાવન લાખ ટન ચોખાની ફાળવણી કરી દીધી છે. સરકાર દ્વારા આ ફાળવણી નીચા ભાવોએ કરવામાં આવી હોવાના વાવડ પણ તાજેતરમાં મળ્યા હતા.  ઈથેનોલના ઉત્પાદન માટે ચોખાનો વપરાશ વધુ કરવા માટે સરકારે ગ્રેઈન બેઝ્ડ ઈથેનોલ ઉત્પાદક એકમોને હાકલ કરી છે. આવા ઉત્પાદન માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ચોખાનો વપરાશ કરવા માટે સરકારે હાકલ કરી છે. ૨૦૨૪-૨૫માં સરકારે ઓપન માર્કેટ સેલ યોજનામાં આશરે ૩૩ લાખ ટન ચોખાનું વેંચાણ કર્યું હતું. ૨૦૨૫માં એપ્રિલથી ડિસેમ્બરના ગાળામાં આવું વેંચાણ જો કે ઘટી ૧૩થી ૧૪ લાખ ટન આસપાસ નોંધાયું હતું.  દરમિયાન,  આ પૂર્વે ભારતના બાસમતી ચોખાની ઈરાન તરફ વ્યાપક પ્રમાણમાં નિકાસ થતી હતી પરંતુ હવે ઈરાનમાં તંગદીલી વધતાં આવી નિકાસને ફટકો પડયો છે. ભારતથી ઈરાન તરફ દર વર્ષે જે વિવિધ ચીજોની કુલ નિકાસ થાય છે એ પૈકી આશરે બે-તૃતીયાંશ નિકાસ ચોખાની થતી હોય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here