વર્તમાન વર્ષના ૨૮ નવેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં થાપણ વૃદ્ધિની સરખામણીએ ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેતા બેન્કિંગ ક્ષેત્ર માટે ભંડોળ ઊભા કરવાનું દબાણ વધવાની શકયતા જોવાઈ રહી છે. સમીક્ષા હેઠળના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૪૨ ટકા રહી છે જ્યારે થાપણમાં ૧૦.૧૯ ટકા વધારો થયો છે. થાપણની સરખામણીએ ધિરાણ વૃદ્ધિ ૧.૨૩ ટકા વધુ રહી છે.

એક વર્ષ અગાઉ ધિરાણ તથા થાપણ વૃદ્ધિ ૧૦.૫૮ ટકા સમાન રહી હતી એમ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. વર્તમાન વર્ષના ૧૪ નવેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૪૦ ટકા રહી હતી જ્યારે થાપણ વૃદ્ધિનો આંક ૧૦.૨૦ ટકા રહ્યો હતો.
વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટમાં કુલ ૧.૨૫ ટકા ઘટાડો કર્યો છે જેને પરિણામે ધિરાણ તથા થાપણ વૃદ્ધિ વચ્ચે અસમાનતા જોવા મળી રહી છે.
રેપો રેટમાં ઘટાડાને કારણે બેન્કોએ લોનના દર ઘટાડવા પડી રહ્યા છે અને તે પ્રમાણે થાપણ પરના વ્યાજ દર પણ નીચે ગયા છે. બેન્ક થાપણોની સરખામણીએ અન્ય રોકાણ પ્રોડકટસ પર વધુ વળતર મળી રહેતુ હોવાથી બચતકારો થાપણની સરખામણીએ અન્ય પ્રોડકટસ જેમ કે ઈક્વિટી, ડિબેન્ચર્સ, સોનાચાંદી વગેરેમાં રોકાણ કરવા તરફ વળ્યા છે, જેને પગલે થાપણ વૃદ્ધિ મંદ જોવા મળી રહી છે, જ્યારે લોનના દર નીચે જતા ધિરાણ ઉપાડમાં વધારો થયો છે.
વધી રહેલી ધિરાણ માગને પહોંચી વળવા રિઝર્વ બેન્કે ઓપન માર્કેટ ઓપરેશન (ઓએમઓ) મારફત રૂપિયા એક લાખ કરોડની સરકારી સિક્યુરિટીઝની ખરીદી કરવાનું તથા પાંચ અબજ ડોલરના ત્રણ વર્ષના ડોલર/રૂપિયાના ખરીદ/વેચાણ વિનિમય હાથ ધરવાનું જાહેર કર્યું છે.
૨૮ નવેમ્બરના પખવાડિયાના અંતે બાકી પડેલી થાપણનો આંક રૂપિયા ૨૪૨.૬૦ લાખ કરોડ રહ્યો હતો જ્યારે બાકી પડેલી ધિરાણનો આંક રૂપિયા ૧૯૫.૩૦ લાખ કરોડ રહ્યો હતો.

