BUSINESS : યુદ્વ વકરવાના એંધાણ : વૈશ્વિક બજારોમાં ધોવાણ

0
19
meetarticle

ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકાએ થોપેલા યુદ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પે પાછીપાની કરીને ઈરાન સાથે સમજૂતી થઈ રહ્યાની વાતો વહેતી કરીને પાંચ દિવસનો યુદ્વ વિરામ કર્યા સામે ઈરાને સમજૂતીની શરતોને ફગાવી દેતાં અને વાટાઘાટ કરવાનો પણ ઈન્કાર કરી દેતાં મામલો બિચક્યો છે. બીજી તરફ ઈઝરાયેલ અને ઈરાને એકબીજા પર હુમલા કરવાનું ચાલુ રાખતાં અને ઈરાન ટ્રમ્પને નહીં ગણકારી પડકારી રહ્યું હોઈ ટ્રમ્પે પણ ઈરાનને સમજૂતી મામલે ગંભીર થઈ જવા, નહીં તો પછી મોડું થઈ જવાની યુદ્વ આક્રમક બનાવવાની ચીમકી આપતાં પરિસ્થિતિ અંકુશ બહાર જવાના એંધાણે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી રહી હતી.

મોંઘવારી, મહામંદીનો ખતરો : ડાઉ જોન્સ ખુલતામાં ૨૨૫ પોઈન્ટ ઘટયો : યુરોપમાં નરમાઈ

ક્રુડ ઓઈલના ભાવો ફરી વધવા લાગતાં અને મોંઘવારી વિશ્વભરમાં વધી રહ્યાના અહેવાલોએ વૈશ્વિક અર્થતંત્ર ફરી મહામંદી તરફ ધકેલાવાના જોખમે આજે વૈશ્વિક બજારો પર નેગેટીવ અસર જોવાઈ હતી. બીજી તરફ નાટો દેશો પૈકી હવે જર્મનીએ અમેરિકાને ઈરાન યુદ્વ મામલે સપોર્ટ કરવાનો ઈન્કાર કરતાં પણ જીઓપોલિટીકલ ટેન્શન વધવાનું જોખમ હોઈ બજારો ગબડતા જોવાયા હતા. લંડનનો ફુત્સી ૧૩૬ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૩૫૪ પોઈન્ટનો ઘટાડો, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૭૭ પોઈન્ટનો ઘટાડો બતાવતા હતા. જ્યારે અમેરિકી શેર બજારોમાં આજે સાંજે ખુલતામાં ડાઉ જોન્સમાં ૨૨૫ પોઈન્ટનો ઘટાડો અન નાસ્દાકમાં ૨૩૫ પોઈન્ટનો ઘટાડો બતાવાતો હતો.

ક્રુડ ઓઈલના ભાવ ફરી વધવા લાગ્યા : ગિફ્ટ નિફટીમાં ૧૫૫ પોઈન્ટનો ઘટાડો

વૈશ્વિક ક્રુડ ઓઈલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ જવાની ભીતિએ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવ પણ ફરી ઝડપી વધી આવ્યાની નેગેટીવ અસર વૈશ્વિક બજારોમાં જોવાઈ હતી. બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ સાંજે ૪.૧૫ ડોલર વધીને ૧૦૬.૩૭ ડોલર નજીક અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૩.૧૪ ડોલર વધીને ૯૩.૪૬ ડોલર નજીક રહ્યા હતા. ભારતીય શેર બજારો આજે-ગુરૂવારે રામ નવમી નિમિતે બંધ રહ્યા સામે એશીયા, યુરોપના બજારોમાં સાવચેતીમાં નરમાઈ રહી હતી. ગિફ્ટ નિફટી ઈન્ડેક્સ સાંજે ૧૫૫ પોઈન્ટનો ઘટાડો બતાવી ૨૩૧૨૫ નજીક રહ્યો હતો.

એશીયાના બજારોમાં નિક્કી ૧૪૬ પોઈન્ટ, હેંગસેંગ ૪૮૦ પોઈન્ટ, કોસ્પી ૧૮૨ પોઈન્ટ ઘટયા

એશીયા-પેસેફિક દેશોમાં ઈરાન યુદ્વના કારણે ઓઈલ-ગેસની કટોકટી વકરી રહી હોઈ અને યુદ્વ લાંબુ ચાલવાના સ્પષ્ટ એંધાણે સાવચેતીમાં આજે નરમાઈ રહી હતી. જાપાનનો ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૧૪૬ પોઈન્ટ ઘટીને ૫૩૬૦૪, હોંગકોંગના હેંગસેંગ ૪૮૦ પોઈન્ટ ઘટીને ૨૪૮૫૬, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૬૦ પોઈન્ટ ઘટીને ૪૪૭૮, સાઉથ કોરિયાનો કોસ્પી ૧૮૨ પોઈન્ટ ઘટીને ૫૪૬૦, તાઈવાનનો તાઈએક્સ ૧૦૧ પોઈન્ટ ઘટીને ૩૩૩૩૭, પાકિસ્તાનનો કરાચી ૩૦ ઈન્ડેક્સ ૧૮૧૩ પોઈન્ટ તૂટીને ૪૬૩૪૪ રહ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here