BUSINESS : વીજ માગમાં ઘટાડો જ્યારે પેટ્રોલનો વપરાશ વધ્યો

0
71
meetarticle

વર્તમાન વર્ષમાં ચોમાસુ લાંબુ ચાલતા દેશની વીજ માગ કોરોના બાદ પહેલી વખત ઝડપથી ઘટી છે. ઓકટોબરમાં વરસાદને કારણે કુલિંગ સાધનોનો વપરાશ ઓછો રહેતા વીજ માગ નબળી રહ્યાનું સરકારી ડેટા જણાવે છે. જ્યારે બીજી બાજુ દિવાળીની રજાઓને કારણે પેટ્રોલની માગમાં વૃદ્ધિ જોવા મળી હતી. વીજ વાહનોને કારણે ડીઝલના વેચાણ પર અસર પડવાના સંકેત મળી રહ્યા છે.  

ઓકટોબરમાં દેશમાં કુલ વીજ ઉત્પાદન વાર્ષિક ધોરણે ૬ ટકા ઘટી ૧૪૨.૪૫ બિલિયન કિલોવોટ-અવર્સ રહ્યું હતું. 

દેશના મોટાભાગના વિસ્તારોમાં ઓકટોબરમાં પણ સતત વરસાદ ચાલુ રહેતા વીજની માગ નીચી રહી હતી. આ ઉપરાંત ઓકટોબરમાં દશેરા-દિવાળીના તહેવારોની રજાઓને કારણે વ્યવસાયીક કામકાજ પણ ઓછા રહ્યા હતા. વરસાદને કારણે તાપમાન નીચુ રહેતા એસી જેવા કુલિંગ સાધનોનો વપરાશ ઘટયો હોવાનો સરકારી સુત્રોએ દાવો કર્યો હતો. દરમિયાન દિવાળીની રજાઓને કારણે વાહનોવા વપરાશમાં વધારો થતા ગયા મહિને પેટ્રોલના વપરાશમાં વધારો જોવા મળ્યો હતો. પેટ્રોલની માગ વાર્ષિક ધોરણે ૭.૦૩ ટકા વધુ રહી હોવાનું ઓઈલ મિનિસ્ટ્રીના પ્રાથમિક ડેટા જણાવે છે. 

ઓકટોબરમાં પેટ્રોલનો વપરાશ ૩૬.૫૦ લાખ ટન રહ્યો હતો જે ગયા વર્ષના ઓકટોબરમાં ૩૪.૧૦ લાખ ટન જોવા મળ્યો હતો. 

દિવાળીની રજાઓમાં પ્રવાસ માટે વાહનોનો ઉપયોગ વધી જતા ઈંધણની માગ ઊંચી રહેવા પામી હતી. ગયા મહિને વાહનોના વેચાણમાં પણ વધારો થયો હતો જેને કારણે પણ ઈંધણ માગ વધી હતી.

પેટ્રોલની સરખામણીએ ડીઝલની માગ ગયા મહિને વાર્ષિક ધોરણે ૦.૪૮ ટકા જેટલી ઘટી ૭૬ લાખ ટન રહી હતી એમ પણ પ્રાપ્ત ડેટા જણાવે છે. 

દેશમાં જાહેર પરિવહન સેવાઓમાં વીજસંચાલિત વાહનો તથા ગેસનો વપરાશ વધી રહ્યો હોવાને કારણે ડીઝલની માગમાં મોટો વધારો જોવા મળતો નહીં હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. ટ્રકસ, વ્યવસાયીક ધોરણે ચાલતા ઊતારૂ વાહનો અને ફાર્મ મસીનરી સામાન્ય રીતે ડીઝલ પર ચાલતા હોય છે.  

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) નો વપરાશ પણ ઓક્ટોબરમાં ૫.૪૨ ટકા વધીને ૨.૯૪ મિલિયન ટન પર પહોંચી ગયો હતો, જે ગયા વર્ષના ઓક્ટોબરમાં ૨.૮૨ મિલિયન ટન હતો.

૨૦૨૫-૨૬ ના પ્રથમ સાત મહિનામાં, ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં પેટ્રોલનો વપરાશ ૬.૭૯ ટકા વધ્યો હતો, જ્યારે એલપીજીનું વેચાણ વાર્ષિક ધોરણે ૭.૧૮ ટકા વધ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here