BUSINESS : વેપાર કરારમાં અમેરિકન મકાઈની આયાત કરવા ભારત દ્વારા ચકાસાતી શકયતા

0
55
meetarticle

અમેરિકા સાથેના દ્વીપક્ષી વેપાર કરારના ભાગરૂપ ભારત અમેરિકા પાસેથી મકાઈની ખરીદી કરવાની શકયતા તપાસી રહ્યું છે સાથોસાથ ઊર્જા આયાત વધારવા અંગે પણ વિચારણા થઈ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું. દેશમાં મકાઈમાંથી ઈથેનોલનું ઉત્પાદન વધારવા  અમેરિકા ખાતેથી મકાઈની આયાત શરૂ કરવાની શકયતા તપાસાઈ રહી છે. 

અમેરિકા સાથે ચાલી રહેલી દ્વીપક્ષી વેપાર વાટાઘાટમાં ભારત તરફથી અમેરિકા પર ૨૫ ટકા વધારાની ટેરિફ પાછી ખેંચવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે. 

અમેરિકા સોયાબીન તથા મકાઈ બન્નેની ખરીદી કરવા ભારતને આગ્રહ કરી રહ્યું છે, પરંતુ ઘરઆંગણેના ખેડૂતોના હિતોનું ધ્યાન રાખવા અને દેશમાં જિનેટિકલી મોડીફાઈડ (જીએમ) કૃષિ પાકને આવતો રોકવા ભારત સરકાર કટિબદ્ધ છે. ઓગસ્ટમાં અમેરિકા ખાતે ભારતની નિકાસનો આંક ૬.૮૬ અબજ ડોલર રહ્યો હતો જ્યારે આયાત ૩.૬૦ અબજ ડોલર રહી હતી.ભારત તથા અમેરિકા બન્ને દ્વીપક્ષી વેપાર કરાર જલદીથી કરવા તત્પર છે. તાજેતરની અમેરિકા ખાતેની મુલાકાત વેળાએ ત્યાંના સરકારી અધિકારીઓ તરફથી પોઝિટિવ પ્રતિસાદ સાંપડયો હોવાનું ભારતના પ્રતિનિધિમંડળમાં સામેલ એક  અધિકારીએ જણાવ્યું હતું. 

ભારતમાં મકાઈનું પ્રતિ હેકટર ઉત્પાદન સરેરાશ ૩.૫૦ ટન રહે છે જે વૈશ્વિક સ્તરે ૬ ટન જેટલુ થાય છે. દેશમાં મકાઈનો વાર્ષિક વપરાશ ૬.૭૦ ટકાના દરે વધી રહ્યો છે જ્યારે ઉત્પાદન વૃદ્ધિનું સ્તર ૫.૮૦ ટકા છે. 

દેશમાં ઉત્પાદિત થતી મકાઈમાંથી ૫૧ ટકાનો ઉપયોગ પશુઆહાર માટે થાય છે જ્યારે ૧૮ ટકા ઈથેનોલ માટે વપરાય છે. ઈંધણમાં ઈથેનોલના મિશ્રણના ટાર્ગેટમાં વધારા સાથે મકાઈના ઉત્પાદનમાં વધારો થાય તે જરૂરી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here