છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલા નારધા ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં અચાનક લાગેલી આ આગને કારણે પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે. હજારોની સંખ્યામાં નાના-મોટા વૃક્ષો અને વનસ્પતિ બળીને ખાખ થઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, નારધા ગામની સીમમાં આવેલા ડુંગરો પર લાગેલી આગ ધીમે-ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. પવનની ગતિને કારણે આગ જંગલના ઊંડા વિસ્તારોમાં પ્રસરી રહી છે. આ ભીષણ આગમાં જંગલની અમૂલ્ય સંપત્તિ સમાન હજારો વૃક્ષો બળી રહ્યા છે, જેના કારણે વન્યજીવોના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે.

જંગલ વિસ્તારમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. આગ લાગ્યાના કલાકો વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી. વન વિભાગની આ કથિત નિષ્ક્રિયતાને કારણે કુદરતી સંપત્તિનો સોથ વળી રહ્યો છે.
આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાય છે. જો આગ પર વહેલી તકે કાબૂ મેળવવામાં નહીં આવે, તો આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારો સુધી આગ પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે.
