મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લાના જંબુસરમાં બની રહેલા બલ્ક ડ્રગ પાર્કની મુલાકાત લીધી હતી. તેમણે પાર્કમાં ચાલી રહેલી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારે ૨૦૨૦માં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી હેઠળ ગુજરાત સરકાર દ્વારા આ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. GIDC દ્વારા ૮૧૫ હેક્ટર (૨૦૧૫ એકર) વિસ્તારમાં ૩૯૨૦ કરોડના અંદાજિત ખર્ચે આ પાર્ક આકાર પામશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ દવાઓના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો છે.
મુખ્યમંત્રીએ આ મુલાકાત દરમિયાન પાર્કની કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સુવિધાઓમાં એપ્રોચ રોડ, કમ્પાઉન્ડ વોલ, આંતરિક રસ્તાઓ, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, પાણી પુરવઠા અને એફ્લ્યુઅન્ટ ડિસ્પોઝલ સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ માટે ૫૫૦ કરોડનો ખર્ચ થઈ રહ્યો છે.
અધિકારીઓએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે સમગ્ર પ્રોજેક્ટ માર્ચ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. તેમની સાથે ધારાસભ્ય ડી.કે. સ્વામી, GIDCના મેનેજિંગ ડિરેક્ટર પ્રવિણા ડી. કે., ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : કેતન મહેતા, જંબુસર


