GUJARAT : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો

0
128
meetarticle

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિએ દેશભરમાં ઉજવવામાં આવતા નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ગુજરાતના સૌથી મોટા રમતોત્સવ ખેલમહાકુંભ-૨૦૨૫ માટેના રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાવ્યો હતો.

નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા ૨૦ જેટલા ખેલ મહાનુભાવોને એવોર્ડ આપીને આ અવસરે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ રમતમાં ખેલદિલી એ અનિવાર્ય પાસું છે. નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનારા મહાનુભાવોને સન્માનિત કરવાનો કાર્યક્રમ એ આપણા સૌ માટે ગર્વની વાત છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નેશનલ સ્પોર્ટ્સ ડે આ વર્ષે ગુજરાત માટે ખૂબ મહત્વનો છે. કેમ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ માટે અમદાવાદની દાવેદારીને મંજૂરી આપી છે.

વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ અને ઉત્સાહી સ્પોર્ટ્સ કલ્ચર ધરાવતાં અમદાવાદને આ રમતોત્સવના આયોજન માટે આદર્શ યજમાન શહેર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સ્પોર્ટ્સ અને ફિટનેસ માટેના વડાપ્રધાનશ્રીના વિઝનનો લાભ ગુજરાતને અઢી દાયકાથી મળી રહ્યો છે. ગુજરાતમાં આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે તેમના વિઝનનું જ પરિણામ છે.

ખેલે તે ખીલેના મંત્ર સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦માં ગુજરાતમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. ખેલ મહાકુંભ ૩.૦માં રેકોર્ડબ્રેક ૭૧ લાખથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. નેશનલ સ્પોર્ટ્સ ડેના અવસરે ખેલમહાકુંભ-૨૦૨૫ માટેનું રજિસ્ટ્રેશન શરૂ થયું છે. તેમાં પણ રાજ્યના સૌ ખેલ પ્રેમીઓ રજીસ્ટ્રેશન કરાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

રાજ્યમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપમેન્ટ વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શનના પરિણામે ગુજરાતે રમત-ગમત ક્ષેત્રે અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે ઉભરતા ખેલાડીઓને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર, સાધન-સુવિધાઓ અને તાલીમ સરળતાથી પ્રાપ્ત થાય છે.

વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં બે દશકમાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ઉત્તરોત્તર વિકાસ થયો છે. ૨૦૦૨માં રાજ્યમાં ૩ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, આજે રાજ્યના ખેલાડીઓ માટે ૨૪ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપલબ્ધ છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, અમદાવાદમાં નારણપુરા ખાતે ૨૨ એકર વિસ્તારમાં મલ્ટી યુટીલિટી સ્પોર્ટ્સ સેન્ટર બની રહ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ૨૩૩ એકરમાં સરદાર વલ્લભભાઇ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનું નિર્માણ થઈ રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગત એક દશકમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે. હમણાં જ સંસદ સત્રમાં રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક ૨૦૨૫ અને રાષ્ટ્રીય ડોપિંગ સંશોધન વિધેયક ૨૦૨૫ પારિત કરીને કેન્દ્ર સરકારે ખેલાડીઓના હિતોના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે. ભારતને વૈશ્વિક રમતગમત ક્ષેત્રનું પાવરહાઉસ બનાવવા અને ૨૦૩૬ ઓલિમ્પિક રમતો સહિત આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં મજબૂત દાવેદારી કરવાના ઉદ્દેશ સાથે સ્પોર્ટ્સ પોલિસી-૨૦૨૫ પણ જાહેર કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ સૌને દેશમાં જ બનેલા સ્વદેશી ઉત્પાદન, રમતગમતના સાધન સામગ્રી ખરીદીને વોકલ ફોર લોકલ થકી આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીનએ જણાવ્યું હતું કે, ભારત આજે રમતગમત ક્ષેત્રે નવા સીમાચિહ્નો પ્રસ્થાપિત કરી રહ્યો છે તેમાં ગુજરાતનું પણ મોટું યોગદાન રહ્યું છે. રાજ્યમાં રમત ગમત પ્રવૃતિઓનો વ્યાપ ખૂબ પ્રશંસનીય રીતે વધી રહ્યો છે. આ પ્રવૃતિઓને જન જન સુધી પહોંચાડતા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતનું યોગદાન પણ મહત્વનું છે. દેશમાં ‘ નેશનલ સ્પોર્ટ્સ ડે’ની ઉજવણીનો પ્રારંભ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે.

પદ્મશ્રી અને ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શ્રી મીરાબાઈ ચાનુએ જણાવ્યું હતું કે, ગુજરાત રમતગમત પ્રિય રાજ્ય છે. કોમનવેલ્થ ગેમમાં મને સિદ્ધિ મળી છે, તે પણ ગુજરાતમાં એ મારા માટે બહુ ગૌરવની વાત છે. તેમણે રમતવીરોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પોતાની રમત પ્રત્યે શ્રેષ્ઠ પ્રદાન કરવાનો સંકલ્પ જ આપણી તાકાત છે. જ્યાં છો ત્યાંથી આગળ વધવાની કટિબદ્ધતા જ તમને શ્રેષ્ઠ પ્રદાન આપી શકશે. આ માટે તાલીમ અને હાર્ડવર્ક પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે SJAG – સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના અભિગમને તેમણે બિરદાવ્યો હતો.

આ અવસરે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈનએ કહ્યું કે, આજના યુવાનો રમતગમત ક્ષેત્રે પણ વધુ સક્રિય બને અને પોતાની પ્રતિભા ઝળકાવે તે માટે સરકાર પ્રયત્નશીલ રહી છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રયાસો પણ રાજ્ય સરકારના અભિગમને પીઠબળ સમાન છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા અને ઉભરતા ખેલાડીઓને સન્માનિત કરે છે એપણ એક ઉમદા કાર્ય છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ પ્રસંગે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી તુષારભાઈ ત્રિવેદીએ કહ્યું કે, વર્ષ ૧૯૯૪માં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતની સ્થાપના થઈ છે. રમત ગમત ક્ષેત્રના તજજ્ઞના સહયોગથી અમે આગળ વધ્યા છીએ. રાજ્યનો રમતગમત વિભાગ પર અમારા માટે સહયોગી બન્યો છે. રમતો જ છે તે સંકળાયેલા લોકો સાથે ઉઘડતા રમતરોને યથોચીત સન્માન થાય અને રાજ્યની પ્રતિભાવો રાષ્ટ્રીય કક્ષાએ ઝળહળે તે પ્રકારના પ્રયાસો સંસ્થા દ્વારા કરાય છે. આજે પણ ૨૦ જેટલા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઈમર્જીંગ પ્લેયર તરીકે કરાટેમાં અમાયરા વરુણ પટેલ, સ્વિમરમાં અરહાન હર્ષ, બિલિયર્ડ્સ આન્યા પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે પ્લેયર ઓફ ધ ગેમમાં રુચિત મોરી- એથ્લેટિક્સ, અવંતિકા નેગી-જિમ્નાસ્ટ, કૃષ્ણપાલસિંહ ગોહિલ -બાસ્કેટબોલ, હવિશા બજાજ- બાસ્કેટબોલ, ધ્રુવિલ પટેલ -વોલીબૉલ, મોહમ્મદ મુર્તુઝા વાણીયા- ડેફ શૂટર, ખુશ્બુ સરોજ -ફૂટબોલમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ અનિકેત પટેલ – સોફ્ટ ટેનિસ, ઉર્વિલ પટેલ- ક્રિકેટર, ધ્વજ હારિયા – બિલિયર્ડ્સ, માનુષ શાહ – ટેબલ ટેનિસ, વિશ્વા વાસણાવાળા- ચેસ, જ્યારે કોન્ટ્રિબ્યૂશન ઈન સ્પોર્ટ્સમાં મકસૂદભાઈ -બોક્સિંગ કોચ, કુશલ સંગતાણી- ટેબલ ટેનિસ – શ્રીમલ ભટ્ટ, ટેનિસમાં એવોર્ડ એનાયત થયા છે. લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ અમ્પાયર મહેન્દ્ર પંડ્યા અને ક્રિકેટ કોચ એમ.એસ.કુરૈશીને એનાયત કરવામાં આવ્યા છે.

આ અવસરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ શ્રી સંદીપ સાંગલે, સિનિયર ઇન્ડિયન ઓલમ્પિકના વાઇસ પ્રેસિડેન્ટ અજયભાઈ પટેલ, તેમજ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ ગુજરાતના હોદ્દેદારો, પદાધિકારીઓ, રમત ગમત ક્ષેત્રે સંકળાયેલા ખેલાડીઓ તેમજ કોચ ઉપસ્થિત રહ્યાં હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here