સાયલા તાલુકાના ગોસળ ગામે બાળકોને ડોળિયા પીએચસીની ટીમે એમઆર-૧ રસી આપ્યા બાદ સાતથી આઠ જેટલા બાળકોની તબિયત લથડી હતી. બાળકોને રસી આપ્યા બાદ જામઠા અને પાક થઇ ગયું હતું. હાલ બે બાળકોની સર્જરી કરી પરૂ બહાર કાઢવામાં આવ્યું છે જ્યારે ત્રીજા બાળકની પણ સર્જરી કરી પાક બહાર કાઢવામાં આવશે. જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર રસી આપનાર આરોગ્યકર્મીએ ટેમ્પરેચર મેન્ટેઇન નહીં કરતા બાળકોને આડઅસર થઇ હોવાના આક્ષેપ કર્યા છે. હાલ આ મામલે સાયલા બ્લોક હેલ્થ ઓફિસની ટીમે તપાસ હાથ ધરી રિપોર્ટ ઉપલી કચેરીમાં મોકલ્યો છે.
ગોસળ ગામે રહેતા પ્રદીપભાઈ કનુભાઈ ધાંધલ દ્વારા મેડિકલ ઓફિસર સાયલાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી કે ગત તારીખ ૯-જુલાઈના રોજ આરોગ્ય કેન્દ્રના ડોળીયા દ્વારા એમ.આર-૧ નામની રસી તેમના ઘરના બે બાળકોને આપવામાં આવી હતી. રસી આપ્યાના અંદાજે ૨૦થી ૨૫ દિવસ બાદ બંને બાળકોને લાલ જામઠા તેમજ પાક જેવી રસી થવા પામી હતી. જેમાંથી એક બાળકને રસી થતા સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રસી થઇ જતાં ચેકો મારવો પડયો હતો અને પરૂ બહાર કાઢવામાં આવ્યો હતો. અન્ય બીજા બાળકને પણ ચેકો મારશે તેવું ત્યાંના તબીબે જણાવેલ હતું જેમાં આથક ખર્ચ રૂપિયા ૨૦,૦૦૦ થયેલ હતો અને રોજ હાલ ડ્રેસીંગ પણ ચાલુ છે.
પ્રદીપભાઈના જણાવ્યા અનુસાર ગામના અન્ય ચાર જેટલા બાળકોને રસી આપ્યા બાદ તદ્દન સમાન લક્ષણો પણ જોવા મળ્યા છે. જેમાંથી અન્ય એક ત્રીજા બાળકને ખાનગી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોને આશંકા છે કે રસીના બેચમાં અથવા તેના સંચાલકની કોઈ ગંભીર ભૂલ ના કારણે ભૂલ થઈ હોઈ શકે છે. આ ઘટનાની તાત્કાલિક યોગ્ય તપાસ કરવા અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા રસીકરણની કામગીરી ઉપર કડક નિગરાણી કરવામાં આવે તેવી માંગ લેખિતમાં કરવામાં આવી છે. જ્યારે આ આ અંગે ડો.રીનબેન પટેલ સાથે ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહતી. તેમજે બાળકોને રસી આપનાર મહિલા આરોગ્યકર્મીએ બદલી કરી પોતાના વતનમાં જતા રહ્યાં હતા.


