કદવાલ છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામે આવેલી કદવાલ ગ્રુપ પ્રાથમિક શાળામાં એક આચાર્ય રોજ સવારે ઝાડુ ઉપાડી શાળાના પ્રાંગણને સ્વચ્છ કરી અને પ્રેરણાદાયક સંદેશ આપે છે. આચાર્ય તેમજ હાલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ બારીયા સ્વચ્છતાને માત્ર અભિયાન નથી માનતા, પરંતુ જીવન મૂલ્ય રૂપે અમલમાં મૂકે છે.દરરોજ શાળાએ પહોંચ્યા બાદ તેઓ પોતે ઝાડુ લઈ શાળાના સંકુલમાં સફાઈ કાર્ય કરે છે. સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા તેઓ બાળકોને વ્યવહારિક ઉદાહરણ આપી પ્રેરિત કરે છે. તેમના રોજિંદા કાર્ય દ્વારા “શાળા મારી જવાબદારી” નો સંદેશ વિધાર્થીઓ, શિક્ષકો અને ગામલોકો સુધી પહોંચે છે.

રણજીતસિંહ બારીયાએ વાતચીત દરમિયાન જણાવ્યું કે,”શાળા અમારું પહેલું ઘર છે, જ્યાં સરસ્વતીનો વાસ છે. શાળાને વિધાનું મંદિર કહેવામાં આવે છે અને હું આ મંદિરનો સેવક છું. આ શિક્ષણધામને સાફ કરવાનું કાર્ય મારા માટે ફરજથી વધુ ધર્મ સમાન છે. હું ઈચ્છું તો આ કામ અન્ય કોઈને સોંપી શકું, પરંતુ મારા આત્મસંતોષ અને સેવા ભાવના માટે જાતે આ કામ કરું છુ.”તેમણે વધુમાં ઉમેર્યું કે, અન્ય શિક્ષકોમાં પણ આ કાર્ય પ્રેરણારૂપ છે, પરંતુ આ કાર્ય કરવા ખુમારી, જીદાદિલી અને સંકલ્પ શક્તિ હોવી જરૂરી છે. રણજીતસિંહ બારીયાના આ પગલાંઓ શિક્ષક તરીકેની જવાબદારી દર્શાવે છે કે માત્ર વાણીથી નહીં,

પરંતુ વર્તન દ્વારા સમાજને બદલાવી શકાય છે. તેમની આ નમ્ર સેવા અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા આજે સમગ્ર શિક્ષક વર્ગ માટે પ્રેરણારૂપ બની રહી છે..
REPOTER : ઈરફાન મકરાણી કદવાલ

