સરકાર એક તરફ ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘ભણે ગુજરાત’ના બણગાં ફૂંકે છે, ત્યારે છોટાઉદેપુરના અંતરિયાળ ભીલપુર ગામની સ્થિતિ તંત્રની પોલ ખોલી રહી છે. અહીં છેલ્લા દોઢ દાયકાથી આંગણવાડી કાચા અને જર્જરિત મકાનમાં ચાલી રહી છે. બાળકો જે રૂમમાં બેસે છે ત્યાં જ ગેસનો સિલિન્ડર અને સગડી રાખવામાં આવે છે, જે કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે.

આંગણવાડીમાં સુવિધાના નામે શૂન્ય
ભીલપુરની આ આંગણવાડીમાં સુવિધાઓનો એટલો અભાવ છે કે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. મકાનમાં વીજળી ન હોવાથી ઉનાળામાં બાળકોને અસહ્ય ગરમી સહન કરવી પડે છે. જ્યારે અંદર અંધારું હોય ત્યારે બાળકોને ખુલ્લા ઓટલા પર બેસાડવા પડે છે. છત પર પતરાં હોવાથી વરસાદમાં પાણી ટપકે છે, જેના કારણે બાળકોના અભ્યાસ અને આરોગ્ય પર અસર પડે છે. બાળકોના અભ્યાસના રૂમમાં જ રસોઈ માટેનો ગેસ સિલિન્ડર રાખવામાં આવે છે. જો ક્યારેય ગેસ ગળતર કે આગ લાગે, તો નાના ભૂલકાંઓ માટે બહાર નીકળવું પણ અશક્ય બની જાય તેમ છે.
ડિજિટલ યુગમાં આંગણવાડી બહેનોની હાડમારી
આંગણવાડીમાં કામ કરતા બહેનો પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લાઇટ ન હોવાથી મોબાઈલ ચાર્જ થતા નથી. વળી, નેટવર્ક ન હોવાથી ICDS વિભાગને ઓનલાઇન માહિતી મોકલવા માટે બહેનોને ગામની બહાર કે ઊંચાઈવાળા વિસ્તારોમાં ફાંફા મારવા પડે છે. 15 વર્ષથી કાચા મકાનમાં કામ કરતા કર્મચારીઓ પણ સતત ભયના ઓથાર હેઠળ રહે છે.
આ મામલે તંત્રનો લૂલો બચાવ
આ ગંભીર પરિસ્થિતિ અંગે જવાબદાર અધિકારીને પૂછતા તેમણે સ્વીકાર્યું હતું કે, મકાન જર્જરિત છે. જો કે, તેમણે એવું વિચિત્ર નિવેદન પણ આપ્યું કે ગામમાં આંગણવાડી બની જ નથી, પણ હવે મંજૂર થઈ છે. હાલ પૂરતું આંગણવાડીને અન્ય મકાનમાં શિફ્ટ કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ તે ક્યારે થશે તે મોટો સવાલ છે.
